દિવાળીપુરા ગામ પાસે 44 લાખની ઉઘરાણી કરી ફરાસખાનાના વેપારી પર જીવલેણ હુમલો

દિવાળીપુરા ગામ પાસે 44 લાખની ઉઘરાણી કરી ફરાસખાનાના વેપારી પર જીવલેણ હુમલો

વડોદરામાં ડભોઇના સિંગુવાડા અલાદ્દીન પાર્કમાં રહેતા અને ફરાસખાનાનો ધંધો કરતા આસિફભાઇ શેખે વરણામાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત 22 ઓક્ટોબર 2026ના રાત્રે આશરે સાડા નવથી દસ વાગ્યાના અરસામાં ગોત્રી અને આજવા રોડ પરનું મારું કામ પતાવીને હું મોટરસાઇકલ પર કેલનપુર થઈને ડભોઈ તરફ જઈ રહ્યો હતો. દિવાળીપુરા ગામ નજીક પહોંચતાં જ મને શંકા ગઈ કે કોઈ મારો પીછો કરી રહ્યું છે. એટલામાં જ પાછળથી એક ઈકો ગાડીમાં તારીક ઈશાક કુરેશી (રહે. શિવરાજપુર, હાલોલ) અને શાહનવાઝ ઉર્ફે બાપુ (રહે. ભેંસવાડા, વડોદરા) ધસી આવ્યા હતા. તેઓએ મારી બાઈક આગળ ગાડી અથડાવી મને નીચે પાડી દીધો હતો.

હું કંઈ સમજુ તે પહેલાં જ, તારીકે ગાડીમાંથી ઉતરીને મને મોઢા પર સણસણતી ફેટ મારી દીધી હતી. ત્યારબાદ તેણે ગાડીમાંથી લાકડાનો બેઝબોલનો ડંડો કાઢી મારા જમણા પગની ઢાંકણી પર સપાટો બોલાવી દીધો હતો. શાહનવાઝે મને બંને ખભાથી મજબૂતીથી પકડી રાખ્યો અને તારીકે મારું માથા પરનું હેલ્મેટ ઉતારીને એ જ હેલ્મેટથી મારા માથાના પાછળના ભાગે એકપછી એક પાંચ-છ ફટકા મારી દીધા હતા.

મારી બૂમાબૂમ સાંભળીને દિવાળીપુરા ગામની બે મહિલાઓ મને બચાવવા વચ્ચે આવી. પરંતુ, તારીકે તેમને ધમકાવતા કહ્યું કે, “આ મારા 44 લાખ રૂપિયા લઈ આવ્યો છે, કોઈ વચ્ચે પડતા નહીં, અમારી પૈસાની મેટર છે.” વાસ્તવમાં, મેં તારીક પાસે લેવાના સાત લાખ રૂપિયા માંગ્યા હતા, જે મેં તેને રોકડા અને ઓનલાઈન ટ્રાન્સફરથી આપ્યા હતા. તેણે ઊલટાનું ખોટું બહાનું બતાવી મારી પાસે ગેરકાયદે નાણાં કઢાવવાનો પ્રયાસ કર્યો હતો.
તારીક અને શાહનવાઝ મને જાનથી મારી નાખવાની ધમકીઓ આપીને નાસી છૂટ્યા હતા. અસહ્ય દુખાવા અને ગંભીર ઈજાઓને કારણે હું સ્થળ પર જ બેભાન થઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...