અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર મોટાપાયે યુદ્ધ શરૂ થઇ ગયું છે. આ સૌની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે કોઈ ડીલ કરવાનો ઈનકાર કરી દીધો છે ત્યારબાદથી ઈરાનના અનેક ઠેકાણે હવાઈ હુમલા કરવામાં આવ્યાની માહિતી મળી રહી છે. ત્યારે ઇરાને પણ હવે વળતો પ્રહાર કરતા અમેરિકાની શાન ઠેકાણે લાવી છે.
ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાકર ગલીબાફે કહ્યું કે અમેરિકા અમારી વાત સાંભળી લે, જો તે હુમલા કરશે તો તેને જડબાતોડ જવાબનો સામનો કરવો પડશે. અમારા શહીદોનો સંઘર્ષ વ્યર્થ નહીં જાય. હોર્મુઝ તો ઈરાનની મરજીથી જ ચાલશે તેમાં અમેરિકાની દખલ નહીં ચલાવી લેવાય.
અમેરિકાના હુમલાના જવાબમાં ઇરાને બહેરીનમાં અમેરિકાની ફિફ્ટ ફ્લિટ પર મિસાઇલોનો વરસાદ કરી દીધો હતો. જેમાં અમેરિકાને મોટું નુકસાન થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બહેરીનમાં અનેક જગ્યાએ વિસ્ફોટો થવાની માહિતી સામે આવી છે. ઈરાને એક વીડિયો શેર કરી હોર્મુઝમાં અમેરિકન ડ્રોન MQ-9ને ઠાર મારવાનો પણ દાવો કર્યો છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન સાથેની શાંતિ સમજૂતી સમાપ્ત કરવાની જાહેરાત કર્યાના ગણતરીના કલાકોમાં જ અમેરિકન સેનાએ ઈરાન પર અત્યાર સુધીનો સૌથી વિધ્વંસક સૈન્ય હુમલો શરૂ કરી દીધો છે. અમેરિકાના આ ભીષણ હવાઈ હુમલાઓથી ઈરાનના અનેક શહેરો ધણધણી ઉઠ્યા છે અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. ઈરાની ન્યૂઝ એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ હુમલામાં અત્યાર સુધીમાં બે સ્થાનિક માછીમારોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે.
અમેરિકન સેનાએ ઈરાનના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા ચાબહાર, બંદર અબ્બાસ, સીરિક અને જાસ્ક સહિતના દરિયાકાંઠાના વિસ્તારોને નિશાન બનાવ્યા છે. ચાબહાર અને કોનાર્ક નજીક શ્રેણીબદ્ધ ધડાકા સંભળાયા હતા, જેના કારણે ચાબહારના મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. આ ઉપરાંત, અક્કાલા વિસ્તારમાં અમેરિકાએ એક મહત્વનો રેલવે બ્રિજ પણ બોમ્બ બ્લાસ્ટ કરીને ઉડાવી દીધો છે. અબુ મૂસા ટાપુ પર ૧૦ જેટલા અને બંદર અબ્બાસમાં ૮ ધડાકા નોંધાયા છે. ચાબહારના શાહિદ બેહેશ્તી પોર્ટ, કલંતરી પોર્ટ અને મેરીટાઇમ ટ્રાફિક કંટ્રોલ ટાવરને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.
હુમલા બાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર ચાબહારમાં લાગેલી ભીષણ આગની તસવીરો શેર કરી છે. ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ધમકી આપતા લખ્યું કે, “આ હુમલો ગઈકાલે ઈરાન દ્વારા આંતરરાષ્ટ્રીય જહાજો પર કરવામાં આવેલા હુમલાનો જડબાતોડ જવાબ છે. જો ઈરાન આવી હરકતો ફરી કરશે, તો આનાથી પણ વધુ ગંભીર પરિણામો ભોગવવા પડશે.”
ડોનાલ્ડ ટ્રમ્પે જે તસવીર શેર કરીને ઇરાન પર હુમલા કરવાનો દાવો કર્યો છે તે ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલેલા 12 દિવસના યુદ્ધનો જૂનો ફોટો છે. જેમાં સહારાન ઓઈલ ડેપો પર હુમલો થતો બતાવાયો છે.
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે (CENTCOM) આ સૈન્ય કાર્યવાહીની સત્તાવાર પુષ્ટિ કરી છે. સેન્ટકોમે જણાવ્યું કે પ્રમુખના આદેશ પર હોર્મુઝ જળમાર્ગમાં વૈશ્વિક પરિવહનની સુરક્ષા અને ઈરાનની હુમલો કરવાની ક્ષમતાને નબળી પાડવા માટે આ એક્શન લેવાયું છે. બીજી તરફ, તુર્કીમાં ચાલી રહેલી નાટો (NATO) સમિટ દરમિયાન પણ અમેરિકાના આ સૈન્ય પગલાને નાટો દેશોનું સમર્થન મળ્યું છે. હાલ ઈરાનનું એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ થઈ ગયું છે અને સમગ્ર મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ વધુ વણસી છે.
