મીરા ભાયંદર વસઈ વિરાર પોલીસ કમિશનરેટે એક સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. અનૈતિક માનવ તસ્કરી નિવારણ વિભાગે ૨૬ જુલાઈના રોજ વસઈના નાયગાંવમાં એક એનજીઓની મદદથી ે૧૨ વર્ષની બાંગ્લાદેશી છોકરીને વેશ્યાવૃત્તિ રેકેટમાંથી બચાવી હતી. દરમિયાન, બચાવ થતાં જ તેણે તેની સાથે શું થયું તેની વિગતવાર માહિતી આપી હતી.
મીરા-ભાયંદર, વસઈ-વિરાર પોલીસ અને એક્સોડસ રોડ ઈન્ડિયા ફાઉન્ડેશન અને હાર્મની ફાઉન્ડેશનની માનવ તસ્કરી વિરોધી ટુકડીએ ૨૬ જુલાઈના રોજ કાર્યવાહી કરી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે. આ સગીર પીડિતાએ એનજીઓને આપેલા નિવેદનમાં ભયાનક સત્ય બહાર આવ્યું છે, ફક્ત ત્રણ મહિનામાં ૨૦૦ થી વધુ પુરુષોએ તેના પર જાતીય હુમલો કર્યો છે.
મિડિયાને આપવામાં આવેલી માહિતી મુજબ, પીડિતા સ્કૂલની વિદ્યાર્થીની છે. તે એક વિષયમાં નાપાસ થઈ હતી, તે સમયે તે ડરથી ઘરેથી નીકળી ગઈ હતી કે તેના માતા-પિતા તેને માર મારશે અથવા તેના પર ગુસ્સે થશે. તેણીને ઓળખતી એક મહિલા તેને પહેલા કલકત્તા લાવી હતી. ત્યાં, તેણીએ તેના માટે નકલી દસ્તાવેજો બનાવ્યા હતા. પછી તેણીને ગુજરાતના નડિયાદ લાવવામાં આવી હતી, જ્યાં એક વૃદ્ધે તેના પર બળાત્કાર કર્યો હતો, તેના અશ્લીલ ફોટા પાડ્યા હતા અને પછી તેને વેશ્યાવૃત્તિમાં ધકેલી દીધી હતી.
તેણીને મુંબઈ લાવવામાં આવી હતી. ત્યારબાદ, ઘણી જગ્યાએ તેના પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ માસૂમ છોકરી, જે હજુ કિશોરાવસ્થામાં પહોંચી ન હતી, તેનું બાળપણ વેશ્યાવૃત્તિના રાક્ષસો દ્વારા છીનવી લેવામાં આવ્યું હતું. એનજીઓ અને પોલીસ દ્વારા બચાવ્યા પછી, પીડિતાને ઉલ્હાસનગરમાં બાળ કલ્યાણ સમિતિને સોંપવામાં આવી છે. ત્યાં તેનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે.
નાયગાંવ પોલીસ હાલમાં આ કેસની તપાસ કરી રહી છે. તેઓએ અત્યાર સુધીમાં ૯ આરોપીઓની ધરપકડ કરી છે. તેમાં બે મહિલા અને સાત પુરુષ દલાલો છે. એનજીઓ એ માંગ કરી છે કે આ કેસમાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવે અને કડક સજા આપવામાં આવે.
