નોરા ફતેહીએ ‘સરકે ચુનર’ ગીતના વિવાદ વચ્ચે NCW સમક્ષ માફી માગી

રાષ્ટ્રીય મહિલા આયોગે વિવાદાસ્પદ આઈટમ સોન્ગ ‘સરકે ચુનરી તેરી’ના કેસની આજે ફરી સુનાવણી હાથ ધરી હતી. અગાઉ બોલિવૂડ સુપરસ્ટાર સંજય હાજર થયો હતો, જોકે નોરા હાજર થઈ ન હતી. જોકે હવે નોરાએ આજે આયોગ સમક્ષ હાજર થઈને લેખીતમાં માફી માંગી લીધી છે. નોરાએ એવું પણ કહ્યું છે કે, હવે તે આઈટમ સોન્ગ નહીં કરે.

નોરાએ આયોગને લેખીતમાં ખાતરી આપી છે કે, હવેથી તે સમાજની કોઈપણ મહિલાઓ અંગે ખોટો મેસેજ ન જાય તે માટે આવા કોઈપણ પ્રકારના આઈટમ સોન્ગ નહીં કરે. નોરાએ આયોગની ઓફિસમાંથી બહાર નીકળીને કહ્યું કે, ‘મેં આયોગન સમક્ષ લેખિત માફી માંગી છે. કોઈની પણ ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો મારો કોઈ ઈરાદો ન હતો.’ નોરાએ કેટલાક અનાથ બાળકોનો ખર્ચ ઉઠાવવાની પણ આયોગને ખાતરી આપી છે.

મહિલા આયોગે નોરા ફતેહીને નોટિસ ફટકારી હોવા છતાં 6 એપ્રિલની સુનાવણીમાં નોરાના બદલે તેના વકીલ હાજર થયા હતા. આયોગે વકીલને નોરાને જ હાજર થવાનો આદેશ આપ્યો હતો. આયોગે સ્પષ્ટ કહ્યું છે કે, નોરાએ જ પેનલ સામે હાજર થવું પડશે અને તે માટે તેને છેલ્લી તક અપાઈ હતી. જોકે હવે નોરાએ આજે હાજર થઈને માફી માંગી લીધી છે.

વાંધાજનક સોન્ગ મામલે અગાઉ 27 એપ્રિલે સુનાવણી હાથ ધરાઈ હતી. આ દરમિયાન સંજય દત્ત હાજર થયો હતો, પરંતુ નોરા ફતેહી (Nora Fatehi) આવી ન હતી. સંજયે પણ આયોગ સમક્ષ હાજર થઈને ઘટનાને ગંભીરતાથી લઈને માફી માંગી છે. આ ઉપરાંત અભિનેતાએ પહેલ કરીને 50 આદિવાસી બાળકીઓના શિક્ષણનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવાની સંપૂર્ણ જવાબદારી ઉઠાવી છે. આયોગે વિવાદાસ્પદ ગીતમાં અશ્લિલતાને લઈને કડક વલણ અપનાવ્યું છે, ત્યારબાદ સંજય દત્તે તપાસમાં સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી છે.

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)એ રાષ્ટ્રીય મહિલા આયોગ અધિનિયમ-1990 હેઠળ પોતાની સત્તાનો ઉપયોગ કરીને ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા અને અભદ્રતાના આરોપો અંગે સબંધિત મીડિયા અહેવાલો પર સ્વતઃ સંજ્ઞાન લીધું હતું. ત્યારબાદ આયોગે આ મામલે અભિનેત્રી નોરા ફતેહી, રકીબ આલમ, અભિનેતા સંજય દત્ત (Sanjay Dutt), વેંકટ કે. નારાયણ (નિર્માતા, કેવીએન ગ્રુપ) અને કિરણ કુમાર (નિર્દેશક) ને આયોગ સમક્ષ હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું. રાષ્ટ્રીય મહિલા આયોગ તરફથી આ મામલે 19 માર્ચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ શેર કરતા માહિતી આપી હતી. આયોગનું કહેવું છે કે, પહેલી નજરે જોતા આ ગીત જાતીય રીતે ઉત્તેજક, વાંધાજનક અને ભારતીય દંડ સંહિતા, માહિતી ટેકનોલોજી અધિનિયમ અને પોક્સો કાયદાની જોગવાઈઓનું ઉલ્લંઘન પ્રતીત થાય છે, તેથી આયોગે આ બાબતને ગંભીરતાથી લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...