ઇવીએમ સાથે છેડછાડને પગલે આજે 15 બુથ પર ફરી મતદાન

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે જોકે તે બાદ અનેક સ્થળે હિંસાની ઘટનાઓ સામે આવી છે. જ્યારે મતદાન સમયે કેટલાક બુથ પર ઇવીએમ મશીન પર ટેપ લગાવી દેવાયાની ઘટનાઓ સામે આવી હતી. આ સ્થિતિ વચ્ચે ચૂંટણી પંચે બંગાળમાં આશરે ૧૫ બુથ પર ફરી મતદાનની જાહેરાત કરી છે. આ તમામ બુથ ૨૪ પરગણા જિલ્લામાં આવે છે જ્યાં હિંસાની ઘટનાઓ પણ સામે આવી હતી. આ તમામ બુથ પર બીજી મેના રોજ મતદાન થશે.  

પશ્ચિમ બંગાળમાં બે તબક્કામાં મતદાન થયું હતું, એવામાં બુધવારે બીજા તબક્કાના મતદાન સમયે કેટલાક બુથ પર ઇવીએમ મશીન પર મત આપવાના બટનો પર જ ટેપ લગાવી દેવાનો મામલો સામે આવ્યો હતો. આ મુદ્દે ચૂંટણી પંચને થયેલી ફરિયાદના આધારે આવા આશરે ૧૫ બુથો પર ફરી મતદાનની જાહેરાત કરાઇ છે. બીજી મેના રોજ આ બુથો પર મતદાન થશે જેનું પરિણામ ચાર મેના રોજ તમામ ચૂંટણીઓની સાથે જાહેર કરાશે.  વિવાદ વચ્ચે મુખ્યમંત્રી મમતા બેનરજીએ અચાનક જ પોતાના મત વિસ્તાર ભવાનીપુરના સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધી હતી. આ મત વિસ્તારમાં થયેલા મતદાનના ઇવીએમ આ સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે. 

મમતાએ દાવો કર્યો હતો કે ઇવીએ મશીન સાથે છેડછાડ થઇ રહી છે. ચૂંટણી પંચ પર પ્રહારો કરતા તેમણે કહ્યું હતું કે રાજ્યના અનેક વિસ્તારોમાં ઇવીએમમાં હેરાફેરીની માહિતી પક્ષના લોકો આપી રહ્યા છે. ઇવીએમ મશીનની હેરાફેરીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. કોઇ પણ પક્ષના ઉમેદવારને સ્ટ્રોંગ રૂમ સુધી જવાની છૂટ હોય છે, તેમ છતા પહેલા મને કેન્દ્રીય દળોએ રોકી હતી જોકે બાદમાં જવા દીધી હતી. આ બિહાર કે મહારાષ્ટ્ર નથી, જો કોઇ પણ ઇવીએમ મશીન ચોરવાનો પ્રયાસ કરશે મતગણતરીમાં છેડછાડનો પ્રયાસ કરશે તો અમે જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરીશું. જીવ દાવ પર લગાવીને પણ મુકાબલો કરીશું. બીજી તરફ હાઇકોર્ટમાં ટીએમસીને મોટો ફટકો પડયો છે. ટીએમસીએ કાઉન્ટિંગ સુપર વાઇઝર તરીકે માત્ર કેન્દ્રીય કે પીએસયુ કર્મચારીની નિમણુંક કરવાના નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. હાઇકોર્ટે આ નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. અને મતોની હેરફેરની ટીએમસીની શંકાને નકારી દીધી છે.   

બંગાળમાં મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપ અને તૃણમુલ કોંગ્રેસ વચ્ચે ખરાખરીની ટક્કર અથવા ત્રિશંકુ વિધાનસભાની શક્યતાઓ વ્યક્ત કરાઇ હતી, જોકે એક એક્ઝિટ પોલ ભાજપ માટે ચિંતાજનક છે. પોલીક્યુના એક્ઝિટ પોલમાં દાવો કરવામાં આવ્યો છે કે તૃણમુલ કોંગ્રેસ ૨૦૦થી ૨૨૦ બેઠકો લઇ જશે જ્યારે ભાજપને ૫૦થી ૮૨ બેઠકો મળી શકે છે. કોંગ્રેસ અને ડાબેરીઓને એકથી બે સીટનું અનુમાન વ્યક્ત કરાયું છે. આ સાથે જ દાવો કરવામાં આવ્યો છે કે ભવાનીપુરમાં ભાજપના નેતા સુવેંદુ અધિકારી ચૂંટણી હારી જશે, આ બેઠક પર તેમના પ્રતિદ્વંદી અને મુખ્યમંત્રી મમતા બેનરજીની જીત થશે. જ્યારે નંદીગ્રામ બેઠક પર સુવેંદુ અધિકારી જીતશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...