PCBના દરોડા, વિદેશી દારૂ સાથે એક શખસ ઝડપાયો, મકાન માલિક સહિત બે ફરાર

રહેણાંક મકાનમાં ચાલતા દારૂના વેપલા પર ત્રાટકેલી પોલીસે વિદેશી દારૂ અને બિયરની કુલ 598 બોટલો સાથે એક શખસને રંગેહાથ ઝડપી પાડ્યો છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે શખસોને વોન્ટેડ જાહેર કરી તપાસ તેજ કરી છે

મળતી માહિતી અનુસાર, પીસીબીને ચોક્કસ બાતમી મળી હતી કે સરદારનગરના આંબાવાડી ચાર રસ્તા પાસે આવેલા સમરથ નગરના એક મકાનમાં મોટા પાયે વિદેશી દારૂનો સંગ્રહ અને વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ત્યાંથી 28 વર્ષીય અમિત સુધવાણી નામનો શખસ મળી આવ્યો હતો. પોલીસે તેની અટકાયત કરી મકાનની તલાશી લેતા વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસ તપાસ દરમિયાન મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની સીલબંધ બોટલો અને બિયરના ટીન મળી કુલ 598 નંગ બોટલો કબજે કરવામાં આવી છે. જપ્ત કરાયેલા દારૂની કિંમત અંદાજે 1,74,004 રૂપિયા જેટલી થાય છે. આ ઉપરાંત પોલીસે આરોપી પાસેથી એક મોબાઈલ ફોન, ગુનાને લગતા બે સ્ક્રીનશોટ અને લાઈટબિલ મળી કુલ 1,84,004 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ સમગ્ર મામલે પોલીસે મકાન માલિક લક્ષ્મીબેન રાઠોડ અને અન્ય એક અજાણ્યા મોબાઈલ ધારક શખસને વોન્ટેડ જાહેર કર્યા છે. પકડાયેલો આરોપી અમિત આ દારૂનો જથ્થો કોની પાસેથી લાવ્યો હતો અને આ નેટવર્કમાં ફરાર મહિલા આરોપીની શું ભૂમિકા છે તે દિશામાં પોલીસે પૂછપરછ હાથ ધરી છે. હાલ પોલીસે આ ગુના અંગે કાયદેસરની કાર્યવાહી નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *