કલર કામ માટે જતા મામા ભાણેજની બાઇક સ્લિપ થઇ જતા ગંભીર ઇજા થતા મામાનું મોત થયું છે, જ્યારે ભાણેજને માથામાં ઇજા પહોંચી હોઇ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં જવાહરનગરમાં રહેતા સંગમ રામરાજભાઇ વર્મા કલર કામ કરે છે. આજે સવારે સંગમ અને તેના મામા અમરદીપ નટુલાલ પટેલ બાઇક લઇને કલર કામ કરવા માટે અક્ષર ચોક જવા નીકળ્યા હતા.તે દરમિયાન પરશુરામનગર સોસાયટી શાંતિ વિલા બંગલો સામે રોડ પર અમરદીપભાઇ પૂરઝડપે બાઇક ચલાવતા હોઇ બાઇક સ્લિપ થઇ ગઇ હતી. જેથી, અમરદીપ અને સંગમ બંને રોડ પર પટકાયા હતા. તે દરમિયાન સામેથી આવતી બાઇકના ચાલકે પણ અચાનક બ્રેક મારવી પડી હતી. જેના કારણે તે પણ રોડ પર પટકાયો હતો. ઇજાગ્રસ્ત અમરદીપને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, તેઓનું મોત થયું હતું. જ્યારે સંગમને માથામાં ઇજા થઇ હતી. જે અંગે સયાજીગંજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે અકસ્માતના અન્ય એક કેસની વિગત એવી છે કે, મૂળ મધ્યપ્રદેશના રિવા જિલ્લાના અને હાલ વડોદરા લાલબાગ પી.એસ.પી. કોલોનીમાં રહેતા અમીત રામદીનભાઇ વિશ્વકર્મા અને તેની પત્ની રાખી લાલબાગરેલવે હાઇ સ્પીડ બિલ્ડિંગમાં કામ કરે છે.અમીત કડિયા કામ કરે છે. જ્યારે તેની પત્ની મજૂરી કરે છે. ગત ૧૬ મી તારીખે દંપતી કામ પ તાવીને ચાલતા ઘર તરફ જતા હતા.તે દરમિયાન રાખી રોડ ક્રોસ કરવા જતા પૂરઝડપે આવતા બાઇક ચાલકે તેને અડફેટે લેતા ગંભીર ઇજા પહોંચી હતી. સારવાર દરમિયાન ગઇકાલે રાખીબેનનું મોત થયું છે. જે અંગે મકરપુરા પોલીસે બાઇક ચાલકની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
