નિરમા યુનિવર્સિટીમાં અજાણ્યા શખસની અશ્લીલ હરકતને પગલે ‘બ્લેક ડે’ વિદ્યાર્થીઓનો કાળા કપડામાં ઉગ્ર વિરોધ

નિરમા યુનિવર્સિટીમાં અજાણ્યા શખસની અશ્લીલ હરકતને પગલે ‘બ્લેક ડે’ વિદ્યાર્થીઓનો કાળા કપડામાં ઉગ્ર વિરોધ

અમદાવાદના એસ.જી. હાઇવે પર આવેલી નિરમા યુનિવર્સિટી પરિસરમાં સુરક્ષા અને વિદ્યાર્થિનીઓની સલામતી મુદ્દે ભારે હોબાળો મચ્યો છે. કેમ્પસમાં નવી બની રહેલી H-5 બિલ્ડિંગમાં 29મી સપ્ટેમ્બરના રોજ અજાણ્યા શખસે ગર્લ્સ હોસ્ટેલ (H-4 બ્લોક) સામે જાહેરમાં અશ્લીલ હરકતો કરી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો એક વિદ્યાર્થિનીએ ઉતારીને યુનિવર્સિટી તંત્રને સોંપ્યો હતો. ઘટના સામે આવ્યા બાદ આજે (પહેલી ઓક્ટોબર) યુનિવર્સિટીના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ કાળાં કપડાંમાં પ્લેકાર્ડ સાથે ‘બ્લેક ડે’ મનાવી તંત્ર સામે દેખાવો કર્યો હતો.

આ મામલે થલતેજના ભાઈકાકાનગર ખાતે રહેતા અને નિરમા યુનિવર્સિટીમાં મુખ્ય સુરક્ષા અધિકારી તરીકે ફરજ બજાવતા 62 વર્ષીય જયરામ દેસાઈએ સોલા હાઇકોર્ટ પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા શખસ સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 110 અને 117 હેઠળ કેસ દાખલ કર્યો છે. નિર્માણાધીન બિલ્ડિંગમાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું હોવાથી, ત્યાં રોકાયેલા શ્રમિકો અને મજૂરોની અલગથી રાખીને સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

વિદ્યાર્થીઓનો આરોપ છે કે વીડિયો પુરાવા સાથે સત્તાધીશોને ફરિયાદ કરવા છતાં આરોપી સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ ઉપરાંત, યુનિવર્સિટીના ગાર્ડ દ્વારા વિદ્યાર્થિનીઓના પહેરવેશ અંગે અયોગ્ય ટિપ્પણી કરવામાં આવી હતી અને ઘટના બાદ હોસ્ટેલની ફરતે માત્ર લીલા રંગની નેટ બાંધીને મામલો રફે દફે કરવાનો પ્રયાસ કરાતાં વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ વ્યાપ્યો હતો.

શિક્ષાત્મક પગલાંના ભયથી શરૂઆતમાં વિદ્યાર્થીઓ ખચકાતા હતા, પરંતુ ન્યાય મેળવવા તેમણે ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વ્યાપક ઝુંબેશ શરૂ કરી હતી. આ ડિજિટલ કેમ્પેનના ભાગરૂપે ગુરુવારે તમામ વિદ્યાર્થીઓને કાળાં કપડાં પહેરીને કેમ્પસમાં ભેગા થવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું, જેના પગલે ગુરુવારે હજારો વિદ્યાર્થીઓ કાળા કપડામાં એકજૂટ થઈને સત્તાધીશો સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...