મોડા જમવાની ટેવ શરીરને બનાવી રહી છે બીમારીઓનું ઘર!

હાલના આધુનિક યુગમાં ઘણા લોકો માટે મોડી રાત સુધી કામ કરવું અને પછી ડિનર કરવું એ એક આદત બની ગઈ છે. આ આદત ધીમે-ધીમે શરીરને નુકસાન પહોંચાડે છે. હેલ્થ એક્સપર્ટ્સનું માનવું છે કે જમવાનો સમય ખોરાકની ક્વોલિટી જેટલો જ મહત્ત્વનો છે.

જો દરરોજ રાત્રે મોડેથી જમવામાં આવે તો તેની અસર પાચન, ઊંઘ, વજન અને સંપૂર્ણ સ્વાસ્થ્ય પર પડી શકે છે. આ આદતના કારણે શરીર ઘણી બીમારીઓનો શિકાર બની શકે છે. તો ચાલો, રાત્રે મોડા જમવાના નુકસાન વિશે જાણીએ…

રાત્રે મોડા જમવાના નુકસાન :

  • પાચનતંત્ર પર દબાણ વધે: રાત્રે શરીર આરામની તૈયારી કરે છે. આવા સમયે ભારે ખોરાક જમવાથી પાચનક્રિયા ધીમી પડી જાય છે. તેનાથી ગેસ, અપચો, પેટ ફૂલવું અને એસિડિટી જેવી સમસ્યા થવા લાગે છે.
  • વજન વધવું : ઘણા લોકો મોડી રાત્રે જમ્યા બાદ તરત ઊંઘી જતા હોય છે, જેથી શરીરને ખોરાકમાંથી મળતી કેલેરી ખર્ચ કરવાનો પૂરતો સમય મળતો નથી. આ કારણે વધારાની કેલેરી ચરબીમાં રૂપાંતરિત થવા લાગે છે અને ધીમે-ધીમે વજન વધે છે.
  • ઊંઘની ક્વોલિટી પર અસર : રાત્રે મોડા જમવાથી પેટ લાંબા સમય સુધી ખોરાક પચાવતું રહે છે. તેનાથી શરીર સંપૂર્ણપણે રિલેક્સ થઈ શકતું નથી અને વારંવાર ઊંઘ તૂટે છે. સારી ઊંઘ ન મળવાથી દિવસભર થાક, ચીડિયાપણું અને ફોકસમાં ખામી અનુભવાય છે.
  • બ્લડ શુગર પર અસર : મોડી રાત્રે જમવાથી શરીરની ઇન્સ્યુલિન પ્રતિક્રિયા અસરગ્રસ્ત થાય છે. ખાસ કરીને ગળ્યો કે વધુ કાર્બોહાઇડ્રેટ્સવાળો ખોરાક ખાવામાં આવે, તો લાંબા સમય સુધી બ્લડ શુગર ઊંચું રહે છે. આ સ્થિતિ સમય જતાં ડાયાબિટીસ જેવી સમસ્યાનું જોખમ વધારે છે.
  • હાર્ટ હેલ્થ પર અસર : વારંવાર રાત્રે મોડા જમવાથી સ્થૂળતા, હાઈ ટ્રાઇગ્લિસરાઇડ્સ અને બેડ કોલેસ્ટ્રોલ જેવી સમસ્યા થઈ શકે છે. આ સમસ્યાઓના કારણે હાર્ટ હેલ્થ પર જોખમ વધે છે.
  • શરીરની બાયોલોજિકલ ક્લોક પર અસર : આપણું શરીર એક બાયોલોજિકલ ક્લોક અનુસાર કામ કરે છે. મોડી રાત્રે જમવાથી આ સંતુલન ખોરવાઈ શકે છે, જેનાથી મેટાબોલિઝમ, હોર્મોન સંતુલન અને ઊર્જા સ્તર પર નકારાત્મક અસર પડે છે.
ઊંઘવાના ઓછામાં ઓછા 2-3 કલાક પહેલાં જમવું સૌથી શ્રેષ્ઠ છે. આ સિવાય રાતનો ખોરાક હળવો, સંતુલિત અને સરળતાથી પચી શકે તેવો રાખવો. જમ્યા બાદ તરત ઊંઘવાની જગ્યાએ 10-15 મિનિટ હળવું ચાલવું અને રોજ નિશ્ચિત સમયે ડિનર કરવાનો પ્રયત્ન કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *