ફટાકડા ફોડવા બાબતે ધીંગાણું, સામસામે લાકડી-પાઈપ-કુહાડીથી હુમલો

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના મોટા સુરકા ગામે ફટાકડા ફોડવા જેવી બાબતે બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બની હતી.ફટાકડા થોડે દૂર જઈને ફોડવાનું કહેવા જેવી નજીવી બાબતમાં બંને પક્ષો દ્વારા લાકડીઓ, પાઈપ અને કુહાડી જેવા હથિયારો વડે સામસામે હુમલો કરવામાં આવ્યો હતો.

સિહોરના મોટા સુરકા ગામે રહેતા જીવુબેન જીણાભાઈ જોટાણાના ઘર બહાર બાળકો ફટાકડા ફોડતા હોવાથી તેમણે બાળકોને થોડે દૂર જઈને ફટાકડા ફોડવા કહ્યું હતું. આ વાતની અદાવત રાખી લાલા બોઘાભાઈ જોટાણા લોખંડનો પાઈપ લઈને આવી પહોંચ્યા હતા. ત્યારબાદ નરેશ જોટાણા અને કમા જોટાણા હાથમાં લાકડી તથા કુહાડી લઈને જીવુબેનના પતિ જીણાભાઈ સાથે ગાળાગાળી કરવા લાગ્યા હતા.દરમિયાન જીવુબેન અને તેમની પુત્રી મીરાબેન વચ્ચે બચાવવા પડતા લાલા ભાયાભાઈ, મુન્ના અને ઈશાન પણ પાઈપ તથા લાકડીઓ સાથે ધસી આવ્યા હતા. હુમલા દરમિયાન લાલાએ મીરાબેનને ગાલ પર લાફો માર્યો હતો તથા જીવુબેનને ડાબા પગના સાથળના ભાગે લોખંડનો પાઈપ મારી નીચે પાડી દીધા હતા.

હુમલાખોરોએ જતાં-જતાં પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.જ્યારે સામા પક્ષે પણ ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી થયા બાદ મામલો બિચક્યો હતો. ના પાડવાના મુદ્દે જીણા રામશીભાઇ જોટાણા, ગાંડા જીણાભાઇ જોટાણા, આશીષભાઇ જોટાણા, નાનુભાઇ જોટાણા, ગોપાલ સગ્રામભાઇ જોટાણા, સગ્રામ રામભાઇ જોટાણા અને ગોકુળ ગોબરભાઈ જોટાણા લાકડીઓ લઈને આવી પહોંચ્યા હતા.તેમણે રીનાબેન લાલજીભાઈ જોટાણા, તેમના પતિ લાલજીભાઈ અને તેમના દિયર પર લાકડીઓ અને ધોકા વડે હુમલો કરી મુંઢ ઈજાઓ પહોંચાડી હતી.પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *