વાવ થરાદના ખાનપુર પંથકમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદી પાણી ખેતરોમાં ભરાયેલા રહેવાથી ખેતીની સિઝન નિષ્ફળ રહી હોવાનું ખેડૂતોનું કહેવું છે. ખેતરોમાં પાકના બદલે મોટાપાયે પાણી પથરાયેલું છે. ખેડૂતો અનુસાર, મહિનાઓથી પાણી ભરાયેલું હોવાથી રવિ વાવણી પર પણ સંકટના વાદળ છવાયા છે. બીજી તરફ, જો પાણી ઓસરે તો જ ફરી ખેતરમાં ખેતી થઈ શકે તેવી સ્થિતિ ઊભી થતાં ખેડૂતો લાચારી અનુભવી રહ્યા છે. આમ, ખાનપુર પંથકની લીધેલી આકાશી તસવીરોમાં ખેડૂતોની વેદનાનું હૃદયદ્રાવક ચિત્ર સ્પષ્ટ જોવા મળે છે.
લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેતાં જમીનની ફળદ્રુપતા અને ક્ષારતા અંગે પણ ખેડૂતો ચિંતિત છે. ખેતરોમાં પાક નહીં હોવાથી પશુધન માટે ઘાસચારાની સમસ્યા પણ ઊભી થઈ છે. ખેડૂતોની માગ છે કે, તંત્ર તાત્કાલિક પંપની મદદથી પાણીનો નિકાલ કરાવે અને કાયમી ઉકેલ માટે યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા ઊભી કરે. આકાશમાંથી લેવાયેલી આ તસવીરો માત્ર પાણી ભરાયેલા ખેતરો નહીં, પરંતુ મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોની સાચી વાસ્તવિકતા છતી કરે છે.
