અમરેલી જિલ્લાના રાજકારણમાં એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. રાજુલા તાલુકા ભાજપના મીડિયા ઈન્ચાર્જ વિક્રમ સાંખટ સામે ખાંભા તાલુકાની એક પરિણીતા પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે સ્થાનિક રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.
ભોગ બનનાર પરિણીતાએ હિંમત દાખવીને સમગ્ર ઘટના અંગે ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરી હતી. પોલીસે મહિલાની ફરિયાદના આધારે વિક્રમ સાંખટ સામે દુષ્કર્મ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
નોંધનીય છે કે, આરોપી વિક્રમ સાંખટની થોડા સમય પહેલા જ રાજુલા તાલુકા ભાજપના મીડિયા ઈન્ચાર્જ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જવાબદાર હોદ્દા પર બેઠેલા નેતા સામે જ આ પ્રકારનો ગંભીર ગુનો નોંધાતા ભાજપ સંગઠનમાં પણ સન્નાટો છવાયો છે. હાલ ખાંભા પોલીસે પીડિતાનું નિવેદન નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
