જાણી લો મર્યાદા-નિયમ અને તમને મૂંઝવતા દરેક સવાલોના જવાબ

લોકોમાં હંમેશાં એવો ભ્રમ રહે છે કે ઘરમાં કે બેંકના લોકરમાં માત્ર 500 ગ્રામ સુધી જ સોનું રાખી શકાય છે અને તેનાથી વધુ સોનું હોવા પર ઇન્કમ ટેક્સ વિભાગ કાર્યવાહી કરી શકે છે. પરંતુ હકીકતમાં ભારતમાં સોનું રાખવાની કોઈ મહત્તમ કાયદાકીય સીમા નક્કી નથી. આ અંગેના નિયમો અને સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા અંગેની વિગતો નીચે મુજબ છે.

આ નિયમ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેઝ (સીબીડીટી)ના 1994ના એક ઇન્સ્ટ્રક્શન સાથે જોડાયેલો છે. આ અંતર્ગત, આવકવેરા વિભાગની રેડ કે તલાશી દરમિયાન પરિવારના સભ્યો પાસે રહેલા એક નિશ્ચિત જથ્થા સુધીના સોનાના દાગીના જપ્ત કરવામાં આવતા નથી. આ મર્યાદા આ મુજબ છે, પરણિત મહિલા માટે 500 ગ્રામ, અવિવાહિત મહિલા માટે 250 ગ્રામ અને પરિવારના પુરુષ સભ્ય માટે 100 ગ્રામ. આ માત્ર દાગીના જપ્ત ન કરવા માટેનું માર્ગદર્શક ધોરણ છે, સોનું રાખવાની કાયદાકીય મર્યાદા નથી.

માત્ર 500 ગ્રામથી વધુ સોનું હોવા માત્રથી કોઈના પણ વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે નહીં. જો સોનાના દાગીના અને આભૂષણો વ્યક્તિની જાણીતી આવકના સ્ત્રોતમાંથી ખરીદેલા હોય કે વારસામાં મળેલા હોય, તો તેને રાખવાની કોઈ સીમા નથી. જોકે, તપાસ દરમિયાન સોનાના સ્ત્રોત અંગે સવાલ ઊઠી શકે છે, તેથી ખરીદીના બિલ, વારસા કે ઉપહાર સાથે જોડાયેલા દસ્તાવેજો અથવા આવકના કાગળો સાચવી રાખવા ખૂબ જ જરૂરી છે.

સુપ્રીમ કોર્ટે ‘બિહાર સરકાર વિરુદ્ધ ફૂલપરી કુમારી’ કેસમાં એક મહત્ત્વની સ્પષ્ટતા કરી છે. ઇન્કમ ટેક્સ વિભાગ (CBDT)નો 500 ગ્રામ સોનાનો નિયમ માત્ર એટલા માટે છે કે રેડ કે તલાશી દરમિયાન સામાન્ય રીતે આ મર્યાદા સુધીનું સોનું જપ્ત કરવામાં આવતું નથી. પરંતુ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ નિયમનો અર્થ એ નથી કે 500 ગ્રામ સુધીનું સોનું હોય તો તે આપમેળે કાયદેસર જ સાબિત થઈ જાય. જો આવકથી વધુ સંપત્તિનો મામલો હોય, તો તપાસ અધિકારીઓને એ પૂછવાનો પૂરો અધિકાર છે કે આ સોનું ક્યાંથી અને કેવી રીતે આવ્યું. સરળ શબ્દોમાં કહીએ તો, જો કોઈની પાસે 500 ગ્રામ કે તેથી ઓછું સોનું હોય તો પણ તેના સ્ત્રોત વિશે પૂછપરછ થઈ શકે છે અને 500 ગ્રામથી વધુ સોનું હોય તો માત્ર તેના જથ્થાના આધારે તેને આપમેળે ગેરકાયદે ગણી શકાતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *