મુસાફરી વખતે ભૂલથી પણ આ 14 વેબસાઈટ પર ફૂડ ઓર્ડર ના કરશો, IRCTC એ યાદી જાહેર કરી

ટ્રેનમાં લાંબી મુસાફરી દરમિયાન પોતાની સીટ પર જમવાનું મંગાવતા મુસાફરો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)એ 14 અનધિકૃત ફૂડ ડિલિવરી વેબસાઇટ્સની યાદી જાહેર કરીને મુસાફરોને તેનાથી દૂર રહેવાની સલાહ આપી છે. આ ઉપરાંત IRCTCએ અધિકૃત ફૂડ એગ્રીગેટર્સની યાદી પણ જાહેર કરી છે, જેથી મુસાફરો ઓનલાઈન જમવાનું ઓર્ડર કરતી વખતે છેતરપિંડીથી બચી શકે. લાંબી મુસાફરી દરમિયાન ઘણા મુસાફરો વિવિધ વેબસાઇટ્સ અને મોબાઇલ એપ્લિકેશનની મદદથી ટ્રેનમાં જમવાનું મંગાવે છે. જોકે, કેટલીક અનધિકૃત વેબસાઇટ્સ દ્વારા કરવામાં આવતી ફૂડ ડિલિવરી મુસાફરોની આરોગ્ય સુરક્ષા, અંગત માહિતી અને નાણાં માટે જોખમ ઊભું કરી શકે છે.

 IRCTCના જણાવ્યા અનુસાર, કેટલીક અનધિકૃત વેબસાઇટ્સ એવા રેસ્ટોરન્ટ્સ પાસેથી જમવાનું પહોંચાડે છે, જેમની પાસે જરૂરી ફૂડ લાઇસન્સ નથી અથવા જેઓ FSSAIના નિયમોનું પાલન કરતા નથી. આવી જગ્યાએ ખોરાક બનાવતી વખતે સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવતું નથી. એટલું જ નહીં, જમવાનું બનાવતા અને પહોંચાડતા કર્મચારીઓની જરૂરી મેડિકલ તપાસ પણ થતી નથી. તેના કારણે મુસાફરોના આરોગ્ય સામે જોખમ ઊભું થઈ શકે છે.

અનધિકૃત વેબસાઇટ્સ પરથી જમવાનું ઓર્ડર કરતી વખતે મુસાફરોની અંગત અને બેન્કિંગ વિગતો લીક થવાનું જોખમ પણ રહે છે. આવી વેબસાઇટ્સ પર પેમેન્ટ કરતી વખતે બેન્ક ખાતાની વિગતો, PNR નંબર અને ઈ-મેઇલ જેવી સંવેદનશીલ માહિતીનો દુરુપયોગ થઈ શકે છે. તેના કારણે સાયબર છેતરપિંડીનો ભોગ બનવાની શક્યતા રહે છે. આ ઉપરાંત કેટલાક કિસ્સાઓમાં ઓર્ડર સમયસર પહોંચાડવામાં આવતો નથી અથવા છેલ્લી ઘડીએ ઓર્ડર રદ કરી દેવામાં આવે છે. આવી સ્થિતિમાં યોગ્ય કસ્ટમર સપોર્ટ ન મળવાને કારણે મુસાફરોને રિફંડ મેળવવામાં પણ મુશ્કેલી પડે છે.

IRCTCએ મુસાફરોને નીચેની 14 વેબસાઇટ્સથી દૂર રહેવાની સલાહ આપી છે.

RAILRESTRO.COM

  1. RAILRESTRO.IN
  2. RAILMITRA.COM
  3. TRAVELKHANA.COM
  4. TRAIN SCAFE.COM
  5. DIBRAIL.COM
  6. RAILFOOD.NET
  7. TRAVELERFOOD.COM
  8. FOODONTRACK.IN
  9. ECATERING.APP
  10. KHANAONLINE.IN
  11. TRAINWAY.IN
  12. RAILMEAL.COM
  13. TRAINMENU.COM
    IRCTCએ સ્પષ્ટ કર્યું છે કે આ યાદીમાં કેટલાક મુખ્ય અનધિકૃત ઓપરેટર્સનાં નામ સામેલ છે. તેથી મુસાફરોએ કોઈપણ અજાણી અથવા બિનસત્તાવાર વેબસાઇટ પરથી જમવાનું ઓર્ડર કરવાનું ટાળવું જોઈએ.

મુસાફરો IRCTCની સત્તાવાર ઈ-કેટરિંગ વેબસાઇટ ecatering.irctc.co.in પર જઈને પોતાનો PNR નંબર દાખલ કરી જમવાનું બુક કરાવી શકે છે. આ ઉપરાંત ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પરથી IRCTCની સત્તાવાર ‘Food on Track’ મોબાઇલ એપ ડાઉનલોડ કરીને પણ ઓર્ડર આપી શકાય છે. મુસાફરો ઈ-કેટરિંગ હેલ્પલાઇન નંબર 1323 પર ફોન કરીને પણ પોતાની સીટ પર જમવાનું મંગાવી શકે છે. IRCTCએ Zomato, Swiggy, Zoop, RailYatri અને RailRecipe જેવા અધિકૃત ફૂડ ડિલિવરી પાર્ટનર્સ મારફતે જ જમવાનું બુક કરવાની સલાહ આપી છે. આમ, ટ્રેનમાં ઓનલાઈન જમવાનું મંગાવતી વખતે વેબસાઇટની અધિકૃતતા તપાસવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *