ગુજરાતમાં પ્રોહિબિશનને લગતા કાયદાને મજાકરૂપ બનાવી દેનાર રાજકોટના કુખ્યાત બુટલેગર યાકુબ મુસા મોટાણી (ઉ.વ.૫૩)ને આખરે પીસીબીએ ગ્રીન લેન્ડ ચોકડી પાસેથી ઝડપી લીધાનું જાહેર કર્યું છે. ૨૦૦૮ની સાલથી અંગ્રેજી દારૂનો વેપલો કરનાર યાકુબ સામે અત્યાર સુધીમાં ૬૫ જેટલા ગુના નોંધાયા છે.
ત્રણ વખત પાસાની હવા પણ ખાઇ આવ્યો છે. આમ છતાં તેની કોઇ અસર ન હોય તેમ સેલવાસને અડ્ડો બનાવી રાજકોટ અને અન્ય શહેરોમાં તેણે દારૂ સપ્લાય કરવાનું ચાલું રાખ્યું હતું. હાલમાં તે રાજકોટના છ અને વલસાડ રૂરલનો એક મળી કુલ સાત ગુનામાં વોન્ટેડ હતો. છેલ્લા ઘણાં સમયથી તેણે સેલવાસથી કોસ્મેટિક્સ આઇટમો અને બીજી વસ્તુઓના ઓઠા નીચે પાર્સલોમાં દારૂ મોકલવાનું શરૂ કર્યું હતું.
આ રીતે પાર્સલોમાં આવતો તેનો દારૂ ટ્રાન્સપોર્ટ પેઢીઓમાંથી પોલીસ પકડતી રહી હતી. ગઇકાલે રાત્રે જ ભક્તિનગર સ્ટેશન પ્લોટ વિસ્તારના ઉદ્યોગનગરમાં એસીપીએલ નામના ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી તેણે કોસ્મેટિક્સ આઇટમોના ઓઠા નીચે પાર્સલોમાં મોકલેલો રૂા.૧.૩૩ લાખનો દારૂ પીસીબીએ કબજે કર્યો હતો.
આ રીતના પાર્સલો છેલ્લા કેટલાક સમયથી પકડાતા હતા. જેમાં તેનું નામ ખુલતું હતું. પીસીબીના પીઆઇ ગોંડલીયાએ તેની જોરશોરથી શોધખોળ શરૂ કરી આખરે તેને ઝડપી લીધો હતો. તે કોઇપણ પેઢીના ખોટા બિલો બનાવી પાર્સલોમાં દારૂ મોકલતો હતો. જેથી તેના વિરુદ્ધ કેટલાક કેસોમાં બોગસ દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવા અંગેની ગંભીર કલમો પણ પીસીબીએ લગાડી છે.
કુખ્યાત બુટલેગર યાકુબ જામનગર રોડ પરની વાંકાનેર સોસાયટી શેરી નં.૩માં રહે છે. છેલ્લા ઘણાં સમયથી દમણ અને સેલવાસમાં રહી અંગ્રેજી દારૂનું નેટવર્ક ચલાવતો હતો. આ વખતે તેના વિરુદ્ધ પોલીસ કેવા પ્રકારના આકરા પગલા લેશે તેનો આગામી દિવસોમાં ખ્યાલ આવશે.
