પાવીજેતપુર નજીક સિહોદ પાસે આવેલું સરકારી ડાયવર્ઝન તંત્રની કામગીરીને લઈને ફરી ચર્ચામાં આવ્યું છે. આ ડાયવર્ઝન પ્રથમ વખત રૂ. 2.34 કરોડના ખર્ચે અને બીજી વખત રૂ. 4 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું હતું. આમ, બે વખત ડાયવર્ઝન બનાવવા પાછળ કુલ રૂ. 6.34 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં હાલ તૂટેલા ડાયવર્ઝનનું સમારકામ છેલ્લા 20 દિવસથી અધૂરું પડ્યું છે. માત્ર બે કલાક જેટલી કામગીરી બાકી હોવા છતાં કામ પૂર્ણ ન થતાં વાહનચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
મળતી માહિતી મુજબ, સિહોદ પાસે તૂટેલા સરકારી ડાયવર્ઝનનું સમારકામ કરી દેવામાં આવ્યું છે અને તેના ઉપર મેટલ કપચી ઢગલા પણ કરી દેવામાં આવ્યા છે. હવે માત્ર રોલર ફેરવી સપાટ કરવાની અને ડામરિંગ કરવાની કામગીરી બાકી હોવાનું જાણવા મળે છે. આ કામગીરી થોડા કલાકોમાં પૂર્ણ થઈ શકે તેવી હોવા છતાં 20 દિવસથી વધુ સમય વીતી જવા છતાં કામ આગળ વધારવામાં આવ્યું નથી.
સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે પ્રથમ વખત રૂ. 2.34 કરોડ અને બીજી વખત રૂ. 4 કરોડનો ખર્ચ કરીને કુલ રૂ. 6.34 કરોડના ખર્ચે બે વખત સરકારી ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે. આટલો મોટો ખર્ચ કર્યા બાદ પણ ડાયવર્ઝનને લગતી સમસ્યાઓ અને સમારકામની કામગીરીમાં વિલંબના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. સરકારી તંત્ર પાસે જરૂરી સાધનો અને સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં માત્ર અંતિમ તબક્કાનું કામ 20 દિવસથી અધૂરું રહેતાં કામગીરીની સમયમર્યાદા સામે સવાલો ઊભા થયા છે.
આ સરકારી ડાયવર્ઝનનું સમારકામ પૂર્ણ ન થતાં ખાસ કરીને મોટા વાહનો અને માલવાહક વાહનચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. રોજિંદા પરિવહન અને માલસામાનની હેરફેર કરતા વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. સામાન્ય લોકો પણ ચાર કલાકમાં જનતા ડાયવર્ઝન તૈયાર કરી શકે છે. તો સરકારી તંત્ર દ્વારા માત્ર રોલર ફેરવી ડામરિંગ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આટલો સમય કેમ લાગી રહ્યો છે તેવો સવાલ સ્થાનિક લોકો ઉઠાવી રહ્યા છે.
સ્થાનિક લોકો અને વાહનચાલકોની માંગ છે કે સંબંધિત વિભાગના અધિકારીઓ આ બાબતે તાત્કાલિક ધ્યાન આપે અને બાકી રહેલી રોલર ફેરવવાની તથા ડામરીંગની કામગીરી વહેલી તકે પૂર્ણ કરાવે. રૂ. 6.34 કરોડના ખર્ચે બે વખત બનાવવામાં આવેલા ડાયવર્ઝનનો યોગ્ય ઉપયોગ થઈ શકે અને વાહનચાલકોને રોજિંદી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે તે માટે તંત્ર તાત્કાલિક પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.
