PF એકાઉન્ટમાં અનેક ભૂલો સુધરી જશે, EPFO એ મહત્ત્વની સુવિધા શરૂ કરી

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા પીએફ (PF) ખાતાધારકોની સુવિધા માટે ઓનલાઈન જોઈન્ટ ડિક્લેરેશન (Joint Declaration)ની સુવિધા આપવામાં આવી છે. આ સુવિધાની મદદથી હવે કર્મચારીઓ ઘરે બેઠા પોતાના પીએફ ખાતામાં નોંધાયેલી ખોટી વિગતો સુધારવા માટે અરજી કરી શકે છે. આ માટે EPFOની ઓફિસના ધક્કા ખાવાની જરૂર નહીં પડે. ઘણી વખત કર્મચારીના પીએફ ખાતામાં નામ, પિતાનું નામ, જન્મતારીખ અથવા નોકરી શરૂ અને છોડવાની તારીખ જેવી વિગતોમાં ભૂલ હોય છે. શરૂઆતમાં આ ભૂલ સામાન્ય લાગતી હોય છે, પરંતુ ભવિષ્યમાં પીએફ ક્લેમ મેળવતી વખતે મુશ્કેલી ઊભી થઈ શકે છે. એટલું જ નહીં, જૂના પીએફ ખાતામાંથી નવા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવામાં અને પેન્શનનો લાભ મેળવવામાં પણ મુશ્કેલી પડી શકે છે.

EPFOના ઓનલાઈન જોઈન્ટ ડિક્લેરેશન પોર્ટલ દ્વારા સભ્યો પોતાના ખાતા સાથે જોડાયેલી વિવિધ વિગતોમાં સુધારા માટે અરજી કરી શકે છે. તેમાં મુખ્યત્વે નીચેની વિગતોનો સમાવેશ થાય છે.
  • કર્મચારીનું નામ
  • જન્મતારીખ
  • પિતા અથવા પતિનું નામ
  • નોકરી શરૂ કરવાની તારીખ
  • નોકરી છોડવાની તારીખ
  • રોજગાર સંબંધિત અન્ય જરૂરી વિગતો
    EPFO પોર્ટલ પર લોગિન કરો: સૌથી પહેલાં EPFOના સત્તાવાર મેમ્બર સેવા પોર્ટલ પર જાઓ. અહીં તમારો યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN), પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરીને લોગિન કરો.
  1. Joint Declaration વિકલ્પ પસંદ કરો: લોગિન કર્યા બાદ ઉપર આપેલા મેનૂમાં જોઈન્ટ ડિક્લેરેશનના વિકલ્પ પર ક્લિક કરો.
  2. ખોટી વિગતો પસંદ કરો: સ્ક્રીન પર તમારા પીએફ ખાતાની હાલની વિગતો દેખાશે. તેમાં નામ, જન્મતારીખ અથવા નોકરી શરૂ કરવાની તારીખ સહિત જે વિગતોમાં ભૂલ હોય તેને પસંદ કરો.
  3. સાચી વિગતો દાખલ કરી દસ્તાવેજ અપલોડ કરો: હવે ખોટી વિગતોના સ્થાને સાચી માહિતી દાખલ કરો. પુરાવા તરીકે આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા પાસપોર્ટ જેવા જરૂરી દસ્તાવેજોની નકલ અપલોડ કરો.
  4. વિગતો તપાસીને અરજી સબમિટ કરો: દાખલ કરેલી માહિતી અને અપલોડ કરેલા દસ્તાવેજો ફરીથી તપાસો. તમામ વિગતો સાચી હોય તો સબમિટ બટન પર ક્લિક કરો.

અરજી સબમિટ થયા બાદ તે ચકાસણી માટે સંબંધિત નોકરીદાતા (Employer) અને EPFOની ઓફિસમાં મોકલવામાં આવશે. ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાતાની વિગતોમાં જરૂરી સુધારો કરવામાં આવશે.

EPFO દ્વારા ખાતાધારકોની સુવિધા માટે સત્તાવાર WhatsApp સેવા પણ શરૂ કરવામાં આવી છે. આ સુવિધા દ્વારા સભ્યો પોતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી મેસેજ મોકલીને પીએફ ખાતાનું બેલેન્સ, પાસબુકની વિગતો અને છેલ્લાં પાંચ ટ્રાન્ઝેક્શનની માહિતી મેળવી શકે છે. EPFOએ ખાતાધારકોને પોતાના પીએફ ખાતાની વિગતો સમયાંતરે આધાર કાર્ડ અને અન્ય સરકારી દસ્તાવેજો સાથે ચકાસવાની સલાહ આપી છે. ખાતામાં કોઈ પણ પ્રકારની વિસંગતતા જણાય તો ઓનલાઈન જોઈન્ટ ડિક્લેરેશનની મદદથી સુધારા માટે અરજી કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *