અમદાવાદ ને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે સાથે જોડવા માટે અમદાવાદ-ગોધરા વચ્ચે સિક્સ લેન ગ્રીન ફિલ્ડ હાઈવે બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જેના માટે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ડીપીઆર તૈયાર કરાઈ રહ્યો છે.
અમદાવાદથી ગોધરા સુધી આશરે 120 કિલોમીટરની લંબાઈનો ગ્રીન ફિલ્ડ હાઈવે બનાવવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ડીપીઆર એટલે કે ડિટેઈલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરાવવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યાનુસાર 60 મીટર પહોળાઈના રાઈટ ઓફ વે સાથેના આ હાઈવેનું આયોજન થઈ રહ્યું છે.
જેથી ભવિષ્યમાં ટ્રાફિક વધે તો આ હાઈવેને 8 લેન સુધી વિસ્તારી શકાય. હાલમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર મુસાફરી કરતા વાહન ચાલકોએ ગોધરાથી અમદાવાદ તરફ આવવા માટે વડોદરા સુધીલાંબા થવું પડે છે. જ્યાંથી અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર જવું પડે છે. તેના બદલે આ નવા સૂચિત હાઈવે દ્વારા ગોધરાથી વાહન ચાલકો સીધા જ અમદાવાદ આવી શકશે.
