એક તરફ સરકાર આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ અને કલ્યાણ માટે મોટી-મોટી વાતો અને લોકહિતની યોજનાઓના દાવા કરે છે, પરંતુ જમીની હકીકત આ દાવાઓની પોલ ખોલી નાખતી હોય છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોરદહાડ ગામેથી વિકાસના મોટા દાવાઓની વાસ્તવિકતા છતી કરતી એક અત્યંત શરમજનક અને દુઃખદ ઘટના સામે આવી છે. અહીંના પાતાળ ફળિયામાં સ્મશાનભૂમિ સુધી જવા માટેનો પાકો કે કાચો રસ્તો પણ ન હોવાથી આખરે ગામલોકોએ તંત્રની લાપરવાહી સામે બળવો પોકારીને સ્વખર્ચે રસ્તો બનાવવાની અનોખી અને મજબૂર પહેલ હાથ ધરી છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ, આ ગંભીર સમસ્યા અંગે અગાઉ અનેક વખત સ્થાનિક ગ્રામ પંચાયત, વહીવટી તંત્ર, જિલ્લાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તેમજ વિવિધ રાજકીય પક્ષોના નેતાઓને રૂબરૂ અને લેખિતમાં રજૂઆતો કરવામાં આવી હતી. માત્ર સ્મશાનભૂમિનો રસ્તો જ નહીં, પરંતુ ગામમાં પીવાના પાણી માટે બોર સહિતની પ્રાથમિક સુવિધાઓ ઊભી કરવા માટે પણ આજીજી કરવામાં આવી હતી. જોકે, ચૂંટણી વખતે મોટા-મોટા વાયદાઓ કરનાર નેતાઓ અને અધિકારીઓ દ્વારા આ મામલે માત્ર ‘ઘોર અસહકાર’ અને લાંબી ચૂપકીદી જ દાખવવામાં આવી હતી. કોઈ પણ સત્તાધીશ કે પંચાયતના પદાધિકારીએ આ ગંભીર સમસ્યા તરફ ધ્યાન આપવાની તસ્દી સુદ્ધાં લીધી ન હતી.
તંત્ર અને નેતાઓની લાંબી ઉદાસીનતા અને ખાતરીઓથી નિરાશ થઈ ગયેલા મોરદહાડ ગામના આદિવાસી પરિવારોએ હવે લાચાર બની બેસી રહેવાને બદલે જાતે જ પોતાના પ્રશ્નનો ઉકેલ લાવવાનું નક્કી કર્યું હતું. ગ્રામજનોએ એકબીજાના સહયોગથી ફાળો એકત્રિત કરવાનું શરૂ કર્યું હતું. આ અભિયાન અંતર્ગત ગામના યુવાનો અને વડીલોએ મળીને અંદાજે રૂ. 9 હજારથી વધુનો લોકફાળો ભેગો કર્યો હતો અને ખાનગી ધોરણે જેસીબી મશીન ભાડે મગાવીને સ્મશાનભૂમિ સુધીનો રસ્તો સાફ કરી માર્ગ બનાવવાની કામગીરીનો પ્રારંભ કર્યો હતો.
મોરદહાડ ગામના આદિવાસીઓની આ આપવીતીએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને વહીવટી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે અને નેતાઓની પોકળ વિકાસની વાતોનો પર્દાફાશ કરી દીધો છે.
