અમદાવાદ મ્યુનિ. દ્વારા સ્માર્ટ સિસ્ટમ બાદ હવે AI આધારિત નીત-નવી ઓનલાઈન સિસ્ટમ વિકસાવવામાં આવી રહી છે. હવે મ્યુનિ.ના કર્મચારીઓને કામ સોંપવાથી લઈને તેમની કામગીરીનું મૂલ્યાંકન સહિતની બાબતોનું સંચાલન પણ AI કરશે! જેના માટે રૂ. 7 કરોડના ખર્ચે AI આધારિત એમ્પ્લોયી મેનેજમેન્ટ સિસ્ટમ બનાવવાનું આયોજન કરાયું છે. આ નવી સિસ્ટમ લાગુ થયા બાદ કર્તવ્યપરાયણ કર્મચારીઓની કદર થશે, જ્યારે કામચોરી કરતા અને બેદરકાર કર્મચારીઓ પર લગામ પણ આવશે.
જેમાં કયા કર્મીને કયું કામ સોંપવું? તે પણ હવે AIના સૂચનો પરથી નક્કી કરશે. તેમજ AI જ તેમના કામનું મૂલ્યાંકન કરી બઢતી આપવી કે નહીં તેના માટે સૂચનો આપશે. ભવિષ્યમાં મ્યુનિ.ના કાયમી કર્મચારીઓની સંખ્યા વધીને 30 હજાર અને આઉટસોર્સ કર્મીઓ વધીને 20 હજાર મળી કુલ 50 હજાર કર્મચારીઓનું સંચાલન થઈ શકે તેવી ક્ષમતાની આ નવી સિસ્ટમ વિકસાવવામાં આવશે. જો કે અત્યાર સુધી AIના નામે મ્યુનિ. દ્વારા વિવિધ ગતકડાં કરાયા છે. પરંતુ ખરેખર કઈ કામગીરી માટે AIનો કેટલો અને કેવો ઉપયોગ કરાઈ રહ્યો છે? તેની કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.
કર્મચારીઓનું પ્રોફાઈલિંગ : તમામ કર્મચારીઓના હોદ્દા, વર્કફ્લો, નિમણૂંક, બઢતીથી લઈને નિવૃત્તિ સુધીની વિગતો ઉમેરી પ્રોફાઈલ બનાવશે
ઈ-સર્વિસ બુક : કર્મચારીઓના અત્યાર સુધીના દસ્તાવેજોનું ડિજિટાઈઝી કરી ઈ-સર્વિસ બુક તૈયાર કરાશે
ટાસ્ક મેનેજમેન્ટ : કર્મચારીઓની ક્ષમતા, કામનું ભારણ વગેરે મુજબ નવી કામગીરી કે પ્રોજેક્ટ કોને સોંપવા તે AIની મદદથી નક્કી કરાશે
કામનું મૂલ્યાંકન : કી પર્ફોર્મર ઈન્ડિકેટરના આધારે કર્મચારીઓના કામનું મૂલ્યાંકન કરી તેમની બઢતી, ટ્રેનિંગ વગેરેના નિર્ણય લેવાશે.
