બાળલગ્નનો ચોંકાવનારો કિસ્સો, 3 સગીરા બાદ ચોથીના લગ્નમાં પોલીસ પહોંચી

બાળલગ્નનો ચોંકાવનારો કિસ્સો, 3 સગીરા બાદ ચોથીના લગ્નમાં પોલીસ પહોંચી

અમદાવાદના નારોલ વિસ્તારમાં એક જાગૃત નાગરિકની સમયસૂચકતા અને 181 અભયમ સહિતની ટીમોના સંયુક્ત દરોડાથી માત્ર 11 વર્ષની સગીરાના લગ્ન મંડપમાંથી જ અટકાવી લેવાયા છે. લગ્નસ્થળે 17 વર્ષના સગીર વરરાજાની જાન પહોંચી ચૂકી હતી અને વિધિ શરૂ થવાની તૈયારીમાં હતી, બરાબર તે જ સમયે 181 અભયમની ટીમ પણ પહોંચી ગઈ હતી. પ્રાથમિક પૂછપરછમાં માતા-પિતાએ સગીરાની ઉંમર છુપાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઓળખ પુરાવા તપાસતાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો કે સગીરાની ઉંમર માત્ર 11 વર્ષ છે અને સામે પક્ષે છોકરો પણ 17 વર્ષનો સગીર છે. ટીમોએ તાત્કાલિક કાર્યવાહી કરી 11 વર્ષની સગીરાને સુરક્ષિત બચાવી લઈ લગ્ન અટકાવ્યા હતા અને તેને આશ્રય માટે ‘ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ’ મોકલી આપી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
​
નારોલમાં એક સ્થળે લગ્નનો માહોલ જામ્યો હતો અને જાન પણ પહોંચી ગઈ હતી. આ દરમિયાન 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર એક જાગૃત નાગરિકનો ફોન આવ્યો કે અહીં સગીર વયની બાળકીના લગ્ન કરાવાઈ રહ્યા છે. કોલ મળતાં જ 181ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. લગ્નમંડપમાં પહોંચેલી ટીમે પરિવારજનોની પૂછપરછ શરૂ કરતાં માતા-પિતાએ બાળકી પુખ્ત હોવાનું કહી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ટીમે ઓળખના પુરાવા માંગતાં તેની તપાસમાં બાળકીની ઉંમર માત્ર 11 વર્ષ અને સામે છેડે લગ્ન કરવા આવેલા છોકરાની ઉંમર 17 વર્ષ હોવાનું સત્તાવાર સામે આવ્યું હતું.

​બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ 2006 મુજબ, બંને પક્ષ સગીર હોવાથી અને લગ્ન સંપૂર્ણ ગેરકાયદે હોવાથી ટીમે માતા-પિતાને કાયદાકીય કાર્યવાહીની ચેતવણી આપી હતી. કોઈપણ ઘર્ષણ ટાળવા સગીરાને તાત્કાલિક સુરક્ષિત રીતે સ્થાનિક પોલીસ મથકે લઈ જવાઈ હતી અને બંને પક્ષના વાલીઓને પણ ત્યાં હાજર થવા આદેશ કરાયો હતો. પોલીસ સ્ટેશન ખાતે બાળલગ્ન પ્રતિબંધક અધિકારી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની ટીમ, જિલ્લા બાળ સુરક્ષા એકમ (DCPU), 181 અભયમ અને ચાઇલ્ડ હેલ્પલાઇનની ટીમે સંયુક્ત રીતે વાલીઓનું કાઉન્સિલિંગ કર્યું હતું. હાલ 11 વર્ષની સગીરાનું નિવેદન લઈ તેને સુરક્ષિત રીતે ‘ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ’ ખાતે મોકલી દેવાઈ છે. બીજી બાજુ કાઉન્સિલ બાદ માતા-પતાને પોતાની ભુલ સમજાય અને બાળક પુખ્ત વયનું ના થાય ત્યાં સુધી લગ્ન નહીં કરાવવાની બાંહેધરી આપી હતી.

બાળલગ્ન અટકાવ્યા બાદ હાથ ધરાયેલી સઘન પૂછપરછમાં વધુ એક ચોંકાવનારી વિગત સામે આવી હતી. આ પરિવાર અગાઉ પણ પોતાની 3 દીકરીઓના સગીર વયે જ લગ્ન કરાવી ચૂક્યો હોવાનો પર્દાફાશ થયો છે. હાલમાં પણ આ ત્રણેય દીકરીઓ કાયદાકીય દ્રષ્ટિએ સગીર હોવા છતાં તેમના લગ્ન થઈ ચૂક્યા છે, જ્યારે ચોથી 11 વર્ષની દીકરીના લગ્ન કરાવવા મંડપ નંખાયો હતો. પૂછપરછ દરમિયાન માતા-પિતાએ પોતાના બચાવમાં દાવો કર્યો હતો કે, ‘અમારા સમાજમાં દીકરીઓના વહેલા લગ્ન કરી દેવાનો રિવાજ છે અને અમે પરંપરા મુજબ જ કરીએ છીએ.’ જોકે, અભયમની ટીમે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ‘સામાજિક રિવાજ કે પરંપરા કાયદાથી ઉપર નથી. બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ મુજબ સગીર વયે લગ્ન કરાવવા તે ગંભીર અને બિનજામીનપાત્ર ગુનો છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...