પતિને યુવક અને પત્ની વચ્ચે સંબંધ હોવાનો શક : મોબાઇલ શોપમાં ઘૂસી ચાકુ વડે હુમલો

પતિને યુવક અને પત્ની વચ્ચે સંબંધ હોવાનો શક : મોબાઇલ શોપમાં ઘૂસી ચાકુ વડે હુમલો

વડોદરાની આજવા ચોકડી પાસે આવેલી કાન્હા લેન્ડમાર્કની મોબાઇલ શોપમાં કામ કરતા યુવક પર તેની પત્ની સાથે સંબંધ હોવાની શંકા રાખતા યુવકે દુકાનમાં ઘૂસી ચાકુ વડે ગળાના ભાગે હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. હુમલામાં યુવકના ગળાના ભાગે ત્રણથી ચાર ઇંચનો ઘા થયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ઈજાગ્રસ્ત યુવકને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે કપુરાઈ પોલીસે આરોપી સામે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વાઘોડિયા તાલુકાના વેજલપુર ગામમાં રહેતા અને કાન્હા લેન્ડમાર્ક ખાતે આવેલી મોબાઇલ શોપમાં નોકરી કરતા ગણેશ રસિક વસાવાએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, આશરે ત્રણ વર્ષ અગાઉ ધવલ મહસ્કર નામનો યુવક મોબાઇલ એસેસરીઝ ખરીદવા દુકાને આવતા બંને વચ્ચે મિત્રતા થઈ હતી. ધવલ તેની પત્ની સાથે દુકાને આવતો હોવાથી ગણેશ પણ તેના પરિવારથી પરિચિત હતો. જોકે, ધવલને ગણેશ અને તેની પત્ની વચ્ચે સંબંધ હોવાનો શક અને વહેમ હોવાથી છેલ્લા છ મહિનાથી બંને વચ્ચે વાતચીત બંધ થઈ ગઈ હતી.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, 31 ઓગસ્ટના રોજ ધવલની પત્નીએ ગણેશને ફોન કરી જણાવ્યું હતું કે, તેનો પતિ તેની સાથે ઝઘડો કરી ગણેશ સાથે સંબંધ હોવાનો આક્ષેપ કરે છે. આથી ગણેશ સાંજે આશરે 7:30 વાગ્યે ધવલના ઘરે ગયો હતો. જ્યાં ધવલના પરિવારના સભ્યો હાજર હતા. આ દરમિયાન ધવલે ગુસ્સામાં ગણેશને ઘરેથી નીકળી જવા કહ્યું હતું.

આ ઘટના બાદ 1 સપ્ટેમ્બરના રોજ સવારે ગણેશ મોબાઇલ શોપ પર નોકરી માટે પહોંચ્યો હતો. સવારે આશરે 11:15 વાગ્યે દુકાનનો કાઉન્ટર સાફ કરી રહ્યો હતો ત્યારે ધવલ અચાનક દુકાનમાં ઘૂસી આવ્યો હતો. ફરિયાદ મુજબ, ધવલે કંઈ પણ બોલ્યા વિના ચાકુ વડે ગણેશના ગળાના ભાગે હુમલો કર્યો હતો. દુકાનમાં સાથે કામ કરતા આફતાબ મેમણે આરોપીને પકડવાનો પ્રયાસ કર્યો હતો. ફરિયાદીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે આરોપીએ તેને ગાળો બોલી જાતિ વિરુદ્ધના અપમાનજનક શબ્દો કહ્યા હતા.

ચાકુના હુમલામાં ગણેશના ગળાના ભાગે ત્રણથી ચાર ઇંચનો ઘા થયો હોવાનું જણાવાયું છે અને તેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. કપુરાઈ પોલીસે આરોપી ધવલ મહસ્કાર સામે એટ્રોસિટી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...