વાવ-થરાદ જિલ્લાના ધાનેરા તાલુકાના જીવાણા ગામે આવેલી દૂધમંડળીની સામાન્ય સભા દરમિયાન અચાનક હોબાળો મચી ગયો હતો. સભામાં રજૂ થયેલા મુદ્દાઓ પર બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને જોતજોતામાં બે પક્ષ વચ્ચે મારામારીની ઘટના સામે આવી હતી. આ સમગ્ર બનાવનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી અનુસાર, જીવાણા દૂધમંડળીની વાર્ષિક/સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભાની કાર્યવાહી દરમિયાન બે પક્ષ વચ્ચે કોઈ વાતને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં સ્થિતિ નિયંત્રણ બહાર જતાં લોકો સામસામે આવી ગયા હતા અને મારામારી શરૂ થઈ ગઈ હતી. ઘટનાને પગલે ગામમાં ક્ષણભર માટે ભય અને અશાંતિનો માહોલ સર્જાયો હતો.
ઘટના અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસની ટીમ ત્વરિત જીવાણા ગામ ખાતે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે મારામારીના વાઈરલ વીડિયો અને સ્થાનિકોની પૂછપરછના આધારે સમગ્ર બનાવની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ દ્વારા આ મામલે કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે, અને પોલીસની પ્રાથમિક તપાસ બાદ જ આ હોબાળા પાછળનું સાચું કારણ અને વધુ વિગતો સામે આવશે.
