મહિલા કોંગ્રેસ પ્રમુખનો પુત્ર બોગસ પાસપોર્ટ લઈને 6 દેશો ફરી આવ્યો?

મહિલા કોંગ્રેસ પ્રમુખનો પુત્ર બોગસ પાસપોર્ટ લઈને 6 દેશો ફરી આવ્યો?

કોર્ટ અથવા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ જેવી કેન્દ્રીય એજન્સીઓ જ્યારે કોઈ ગંભીર કેસમાં આરોપીનો પાસપોર્ટ જપ્ત કરે છે, ત્યારે તેનો મુખ્ય ઉદ્દેશ્ય આરોપી દેશ છોડીને ભાગી ન જાય તે સુનિશ્ચિત કરવાનો હોય છે. પરંતુ અમદાવાદના એક શખ્સે કાયદાના આ સકંજાને તોડવા માટે એવો પ્લાન ઘડ્યો જેને જાણીને સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ગઈ છે.

પોતાનો મૂળ પાસપોર્ટ તપાસ એજન્સી સમક્ષ જમા હોવાની બાબત છુપાવીને, ખોટા સરનામા અને દસ્તાવેજોના આધારે ઉત્તર પ્રદેશમાંથી બીજો નવો પાસપોર્ટ મેળવી વિદેશ પ્રવાસ કરનારા શખ્સ સામે ગુજરાત ATS દ્વારા કાયદેસરનો ગુનો નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ આરોપી હરિકેશ પટેલ ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ગીતાબેન પટેલનો પુત્ર છે.

અમદાવાદના શાહીબાગ કેમ્પ રોડ પર મિરાપાર્ક સોસાયટી પાસે આવેલા ઉર્મી બંગલોઝમાં રહેતા હરીકેશ પ્રણવકુમાર પટેલ સામે ED દ્વારા ચર્ચિત ‘પાવરબેંક એપ મની લોન્ડરિંગ કેસ’માં તપાસ ચાલી રહી છે. આ કેસની કાયદાકીય કાર્યવાહી દરમિયાન હરીકેશનો મૂળ ભારતીય પાસપોર્ટ તપાસ અધિકારી અને કોર્ટ સમક્ષ જમા કરાવી દેવામાં આવ્યો હતો. આ કેસમાં તેની આગોતરા જામીન અરજી ફગાવી દેવાયા બાદ તેણે હાઈકોર્ટમાં અરજી કરી હતી.

ધરપકડથી બચવા અને ગેરકાયદેસર રીતે વિદેશ પ્રવાસ કરવાના હેતુથી આરોપીએ એક યોજના બનાવી. તેણે દિલ્હી ક્રાઈમ બ્રાન્ચમાં એવી ખોટી ફરિયાદ નોંધાવી કે તેનો પાસપોર્ટ ખોવાઈ ગયો છે. આ સાથે તેણે દિલ્હી અને ઉત્તર પ્રદેશના આગ્રા ખાતે ખોટા રેન્ટલ એગ્રીમેન્ટ્સ તૈયાર કરાવી ત્યાંના રહેઠાણના બોગસ સરનામા ઊભા કર્યા હતા.

તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીએ આગ્રાના બોગસ સરનામાનો ઉપયોગ કરીને ઓળખકાર્ડ સહિતના દસ્તાવેજો મેળવ્યા હતા. આ બનાવટી દસ્તાવેજોના આધારે તેણે ગાઝિયાબાદ સ્થિત રિજનલ પાસપોર્ટ ઓફિસમાં અરજી કરી હતી અને July 26, 2024 ના રોજ નવો પાસપોર્ટ મેળવી લીધો હતો. આ પ્રક્રિયા દરમિયાન તેણે કોર્ટમાં પોતાનો પાસપોર્ટ જમા હોવાની બાબત છુપાવી રાખી હતી.

ગુજરાત ATSની તપાસમાં સામે આવ્યું છે કે હરીકેશે આ બીજા બોગસ પાસપોર્ટનો ઉપયોગ કરીને ભારત અને વિદેશ વચ્ચે મુસાફરી શરૂ કરી હતી. એરપોર્ટ પર ઇમિગ્રેશન ચેકિંગથી બચવા માટે તેણે ખાસ રૂટ પસંદ કર્યો હતો. તે ભારતથી ભૂતાન ગયો. ત્યાંથી આગળ વધીને બેંગકોક, સિંગાપોર અને દુબઈ સુધી પહોંચ્યો. વિદેશ પ્રવાસ પૂર્ણ કર્યા બાદ તે નેપાળના રસ્તે પાછો ભારતમાં પ્રવેશ્યો હતો.

આ ગેરકાયદે પ્રવૃત્તિ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર જે. પી. રોઝિયાને બાતમી મળી હતી કે હરીકેશ પટેલ પાસે બે પાસપોર્ટ છે અને તે બીજા પાસપોર્ટથી વિદેશ પ્રવાસ કરી રહ્યો છે. સીનિયર અધિકારીઓની સૂચના બાદ પીઆઈ બી. એચ. કોરોટના નેતૃત્વ હેઠળની ATS ટીમે સમગ્ર માહિતીની ખરાઈ કરી હતી. પૂછપરછમાં સત્ય સામે આવતાં ગુજરાત ATS દ્વારા હરીકેશ પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023 ની સંબંધિત કલમો અને પાસપોર્ટ એક્ટ, 1967 ની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...