ઉના તાલુકાના ભાચા ગામમાં રહેતો એક શ્રમજીવી પરિવાર ગત રાત્રે ઝુંપડામાં ઉંઘી રહ્યો હતો ત્યારે ત્યાં ચડી આવેલો દીપડો પિતાનાં પડખામાં ઉંઘતા બે વર્ષના બાળકને ઉપાડી ગયો હતો. બૂમાબૂમ થતાં પરિવાર જાગી પાછળ ગયો હતો પરંતુ દીપડો આંબાવાડીમાં નાસી ગયો હતો. ત્યાં શોધખોળ દરમ્યાન બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવથી શ્રમિક પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
ભાચા ગામ નજીક ખોડીયાર ધાર પાસે શ્રમિક પરિવાર ઝુંપડામાં રહે છે. ત્યાં રહેતા ભૂપતભાઈ જીવાભાઈ સોલંકીના પરિવારમાંથી ગત રાતે બે વર્ષનો પુત્ર રાજવીર પિતા ભૂપતભાઈ સાથે અને છ માસની પુત્રી હીરલ તેની માતા સાથે ઉંઘતી હતી, ઝુંપડું ખુલ્લું હતું. આ પરિવાર નિંદ્રાધીન હતો ત્યારે રાત્રીના શિકારની શોધમાં આવેલો દીપડો ઝુંપડામાં ઘુસી ગયો હતો અને પિતાના પડખામાં ઉંઘતા બે વર્ષના રાજવીરને ગરદન પકડી ઉપાડી ગયો હતો. બે વર્ષનો બાળક ચીસ પણ પાડી શક્યો ન હતો. ભૂપતભાઈ ઉંઘમાંથી જાગી જતા તેણે વ્હાલસોયા પુત્રને દીપડાના સકંજામાંથી મુક્ત કરાવવા બુમાબુમ કરી હતી. આસપાસમાંથી લોકો આવી ગયા હતા અને એકાદ કિલોમીટર સુધી દીપડાની પાછળ ગયા હતા. આંબાના બગીચામાં દીપડો બાળકને ગરદનથી પકડી ઉભો હતો. કોલાહલ થતા દીપડો બાળકને મુકી નાસી ગયો હતો. ભૂપતભાઈએ ત્યાં જઈ બે વર્ષના રાજવીરને લોહીલુહાણ હાલતમાં ઉપાડયો હતો ત્યારે રાજવીર કંઈ હલનચલન કરતો ન હતો. ગરદનના ભાગે દીપડાએ દાંત બેસાડી દેતા આ માસૂમ બાળકનું પ્રાણ પંખીડું ઉડી ગયું હતું.
