શંકરટેકરીમાં જૂની પૈસાની લેતીદેતી મામલે યુવકને લાકડાના ધોકા વડે માર માર્યો

શંકરટેકરીમાં જૂની પૈસાની લેતીદેતી મામલે યુવકને લાકડાના ધોકા વડે માર માર્યો

જામનગરના શંકરટેકરી ગણેશવાસ પાછળ પાંચ નંબર ચોક પાસે જૂની પૈસાની લેતીદેતી મામલે એક ટ્રકચાલક સાથે ચાર શખ્સોએ ઝઘડો કરી લાકડાના ધોકા વડે તથા ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડ્યાની અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ સિટી-સી પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

આ અંગે ગુલાબનગર વાંજાવાસ વિસ્તારમાં રહેતા અને ટ્રક ડ્રાઇવિંગ કરતા રહીમ ઉર્ફે નિંઢો ઇબ્રાહીમ ખીરા (ઉ.વ.40)એ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા.25 ઓગસ્ટના રાત્રિના પોણા એક વાગ્યાના અરસામાં તેઓ શંકરટેકરી ગણેશવાસ પાછળ પાંચ નંબર ચોક પાસે મુન્નો કાલી તથા તેના ભાઇ ધમ્મો કાલી પાસેથી અગાઉ આપેલા પોતાના પૈસા લેવા ગયા હતા.

ફરિયાદી પોતાના પૈસાની માંગણી કરતા મુન્નો કાલી અને ધમ્મો કાલીએ તેમની સાથે ઝઘડો શરૂ કર્યો હતો. દરમિયાન જગાભાઇ તથા જગાભાઇનો પુત્ર ધીરેન પણ ત્યાં આવી ગયો હતો અને ચારેય શખ્સોએ ફરિયાદી સાથે મારામારી કરી હોવાનો આક્ષેપ છે. મુન્નો કાલી અને ધમ્મો કાલીએ લાકડાના ધોકા વડે ફરિયાદીને શરીરે આડેધડ માર મારતા મુંઢ ઇજાઓ પહોંચી હતી. જ્યારે જગાભાઇ અને ધીરેનએ તેમને પકડી રાખી ઢીકાપાટુનો માર માર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.

આ દરમિયાન ચારેય શખ્સોએ ફરિયાદીને ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. મારના કારણે ચક્કર આવતા ફરિયાદી નીચે પડી ગયા હતા. ત્યારબાદ તેમનો નાનો ભાઇ ઇકબાલ ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને ઇજાગ્રસ્ત ફરિયાદીને સારવાર માટે મોટરસાઇકલ પર જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે લઇ ગયો હતો, જ્યાં સારવાર લીધી હતી.

બનાવ અંગે ફરિયાદીએ મુન્નો કાલી, ધમ્મો કાલી, જગાભાઇ અને ધીરેન વિરુદ્ધ સિટી-સી પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 351(2), 352, 54 તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ 135(1) મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...