શહેરમાં દારૂ પી તોફાન કરનાર પતિ સામે પત્નીની પોલીસ ફરિયાદ

શહેરમાં દારૂ પી તોફાન કરનાર પતિ સામે પત્નીની પોલીસ ફરિયાદ

જામનગર શહેરના ખેતીવાડી રાજીવનગર કોલોની વિસ્તારમાં દારૂ પી તોફાન કરતા પતિ સામે પત્નીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે સિટી-સી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટની કલમ 66(1)(બી), 85 મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.

આ અંગે ફરિયાદી જયશ્રીબેન ખીમજીભાઈ ભાંભી (ઉંમર 40 વર્ષ, રહે. ખેતીવાડી રાજીવનગર કોલોની, જામનગર)એ પોલીસમાં જણાવ્યું હતું કે, તેઓ ઘરકામ કરે છે. તા. 15 સપ્ટેમ્બરના રોજ બપોરે સાડા બારેક વાગ્યાના અરસામાં તેમના પતિ ખીમજીભાઈ હીરાભાઈ ભાંભી (ઉંમર 45 વર્ષ, મજૂરીકામ) દારૂ પીધેલી હાલતમાં તોફાન કરતા હોવાથી તેમણે 112 પોલીસ સેવામાં ફોન કરી પોલીસની મદદ માગી હતી.

ફરિયાદીના ફોન બાદ પોલીસની ગાડી સ્થળ પર પહોંચી હતી અને ફરિયાદી તથા તેમના પતિને પોલીસ મથકે લઈ આવ્યા હતા. પોલીસ મથકે બે પંચોની હાજરીમાં ખીમજીભાઈની તપાસ કરતા તેઓ થોથરાતી જીભે બોલતા હોવાનું, મોઢામાંથી કેફી પ્રવાહીની તીવ્ર વાસ આવતી હોવાનું અને આંખો નશાથી લાલ જોવા મળતી હોવાનું પોલીસ નોંધમાં જણાવાયું છે. તેમજ હલાવી-ચલાવી તપાસતા તેઓ શરીરનું સમતોલપણું જાળવી શકતા ન હતા અને લથડિયા ખાતા હોવાનું પણ નોંધાયું છે.

પોલીસે ખીમજીભાઈ પાસે કેફી પ્રવાહી પીવા અંગેનો પાસ-પરમિટ માંગતા તેમની પાસે કોઈ પાસ-પરમિટ ન હોવાનું જણાવ્યું હતું. 112 પોલીસ વાહનના પોલીસ ઇન્ચાર્જએ તેમને બપોરે 3:30 વાગ્યે પોલીસ મથકે રજૂ કર્યા હતા. જેથી દારૂ પીધેલી હાલતમાં મળી આવેલા ખીમજીભાઈ હીરાભાઈ ભાંભી સામે સિટી-સી ડિવિઝન પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમ 66(1)(બી), 85 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...