ભારતને મોટો ઝટકો આપતા ખેડૂતો ચિંતામાં, પાકિસ્તાન ખુશખુશાલ

ભારતને મોટો ઝટકો આપતા ખેડૂતો ચિંતામાં, પાકિસ્તાન ખુશખુશાલ

ઓસ્ટ્રેલિયાની ફેડરલ કોર્ટે બાસમતી ચોખા પર ભારતના એકહથ્થુ ટ્રેડમાર્ક અને સ્પેશિયલ સર્ટિફિકેશન મેળવવાના દાવાને ફગાવી દીધો છે. ભારતીય સંસ્થા ‘એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી’ (APEDA) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી રદ થતાં ભારતીય ચોખા નિકાસકારોને મોટો ઝટકો લાગ્યો છે. બીજી તરફ, આ નિર્ણયથી પાકિસ્તાન ભારે ખુશ થયું છે.

ભારત સરકારની એજન્સી APEDA એ ઓસ્ટ્રેલિયામાં ‘બાસમતી’ શબ્દને સર્ટિફિકેશન ટ્રેડમાર્ક તરીકે નોંધવા માટે અરજી કરી હતી, જેથી ઓસ્ટ્રેલિયન માર્કેટમાં માત્ર ભારતીય બાસમતી ચોખાને જ આ નામ હેઠળ ઓળખ મળે. જોકે, ઓસ્ટ્રેલિયાના ટ્રેડમાર્ક રજિસ્ટ્રાર અને ત્યારબાદ ફેડરલ કોર્ટે નોંધ્યું હતું કે બાસમતી ચોખા માત્ર ભારતમાં જ નહીં પરંતુ પાકિસ્તાનમાં પણ ઉત્પાદિત થાય છે. આથી, આ ટ્રેડમાર્ક માત્ર ભારતને જ આપવાથી અન્ય વેપારીઓના અધિકારો છીનવાઈ શકે છે.

કોર્ટના આ નિર્ણય બાદ હવે ભારતીય નિકાસકારોએ ઓસ્ટ્રેલિયાના બજારમાં પાકિસ્તાની ચોખા સાથે સીધી સ્પર્ધા કરવી પડશે. ખાસ કરીને પંજાબ અને હરિયાણાના બાસમતી ચોખાના વેપારીઓ અને ખેડૂતો માટે ચિંતા વધી છે, કારણ કે તેઓ વૈશ્વિક બજારમાં ભારતીય બાસમતીની અલગ ઓળખ બનાવવા પ્રયાસ કરી રહ્યા હતા. ભારત આ પહેલાં ન્યુઝીલેન્ડ અને કેન્યા જેવા દેશોમાં પણ આવી જ કાનૂની લડાઈઓનો સામનો કરી ચૂક્યું છે.

ઓસ્ટ્રેલિયન કોર્ટના નિર્ણય બાદ પાકિસ્તાનના વાણિજ્ય મંત્રાલયે આ ચુકાદાને તેમની મોટી કાનૂની જીત ગણાવી છે. પાકિસ્તાને દાવો કર્યો છે કે બાસમતી એ ચોક્કસ ભૌગોલિક વિસ્તાર (Geographical Indication) સાથે જોડાયેલી ઉપજ છે જે ભારત અને પાકિસ્તાન બંનેના ઐતિહાસિક વિસ્તારોમાં વાવવામાં આવે છે, તેથી તેના પર કોઈ એક દેશનો એકાધિકાર હોઈ શકે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...