અમેરિકા એચ-૧બી વિઝા ફી વધારી એક લાખ ડોલરથી વધુ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ નિર્ણયની ભારતીય પ્રોફેશનલ્સ પર મોટા પાયે અસર થશે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી એચ-૧બી વિઝા ફી વધારી ૧,૦૩,૨૬૫ ડોલર કરવાની યોજના બનાવી રહ્યું છે. પ્રમુખ ટ્રમ્પે અગાઉ એચ-૧બી વિઝાની ફી એક લાખ ડોલર કરવાનો આદેશ આપ્યો હતો, જેને સુપ્રીમ કોર્ટે રદ કરી દીધો હતો. જોકે, હવે ટ્રમ્પ સરકાર તેને કાયદાકીયરૂપ આપવાનો પ્રયત્ન કરી રહી છે.
ટ્રમ્પ વહીવટી તંત્ર એચ-૧બી અને એફ-૧ ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (ઓપીટી) પ્રોગ્રામ પર નવી ફી લગાવવાની યોજના બનાવી રહ્યું છે. સોમવારે ફેડરલ રજિસ્ટરમાં આપવામાં આવેલી માહિતી અનુસાર યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમ લેન્ડ સિક્યુરિટીએ એચ-૧બી વિઝા ફી વધારી ૧,૦૩,૨૬૫ કરવાનો પ્રસ્તાવ જારી કર્યો છે. ગયા વર્ષે પણ આ ફી વધારવાનાં પ્રયત્નો કરવામાં આવ્યા હતાં પણ કોર્ટે તેના પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
કોર્પોરેટ ઇમિગ્રેશન સર્વિસ ફર્મ ફ્રેગામેનનાં જણાવ્યા અનુસાર જો આ પ્રસ્તાવિત નિયમ અમલમાં મૂકવામાં આવે છે તો આનાથી અમેરિકામાં કામ કરનારા વિદેશી નાગરિકો, યુનિવર્સિટીથી નોકરી તરફ આગળ વધી રહેલા વિદ્યાર્થીઓ અને એચ-૧ વર્કરોને સ્પોન્સર કરનારા કર્મચારીઓનો ખર્ચ વધી શકે છે. આ ફેરફાર મહત્ત્વપૂર્ણ છે કારણકે તમામ એચ-૧બી વિઝા મેળવનારાઓમાં ૭૦ ટકાથી વધારે ભારતીયો છે.
યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસે ૨૦૨૪માં ૩,૯૯,૪૦૨ એચ-૧બી વિઝા અરજીઓને મંજૂરી આપી હતી. જેમાંથી ૭૧ ટકા વિઝા ભારતમાં જન્મેલા લોકોને મળ્યા હતાં. ઇમિગ્રેશન લો ફર્મ ફ્રેગોમેને એક નોટમાં જણાવ્યું છે કે આ પ્રસ્તાવને અગાઉ જ વ્હાઇટ હાઉસની ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટની મંજૂરી મળી ગઇ છે.
