ભારત માલદીવ્સની વહારે આવ્યું, મુઈજ્જુ સરકારને 30 અબજ રૂપિયાની કરી મદદ

આર્થિક સંકટનો સામનો કરી રહેલા માલદીવ્સની મદદે ભારત ફરી એકવાર આગળ આવ્યું છે. ભારતે માલદીવ્સને મોટી રાહત આપતા 30 અબજ રૂપિયા(અંદાજે 400 મિલિયન ડૉલર)ના કરન્સી સ્વાપ સપોર્ટના પ્રથમ હપ્તાને મંજૂરી આપી દીધી છે. માલદીવ્સમાં આવેલી ભારત સરકારની એમ્બસીએ આ અંગેની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, માલદીવ્સની નાણાકીય સ્થિરતા જાળવી રાખવા માટે આ પગલું અત્યંત મહત્ત્વનું સાબિત થશે.

આ આર્થિક મદદ મુખ્યત્વે ભારતીય રિઝર્વ બેન્ક અને માલદીવ્સ સરકાર વચ્ચે થયેલા SAARC કરન્સી સ્વાપ ફ્રેમવર્ક હેઠળ આપવામાં આવી છે. નોંધનીય છે કે, ઓક્ટોબર 2024માં માલદીવ્સના પ્રમુખ મોહમ્મદ મુઈઝ્ઝૂની ભારત મુલાકાત દરમિયાન આ અંગે સમજૂતી થઈ હતી. માલદીવ્સ અત્યારે વિદેશી મુદ્રા ભંડારની અછત અને વધતા દેવાના બોજ સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે ભારતની આ સમયસરની મદદ મુઈઝ્ઝૂ સરકાર માટે સંકટ સમયની સાંકળ સમાન બની છે.

ભારત લાંબા સમયથી માલદીવ્સ માટે એક ભરોસાપાત્ર ભાગીદાર રહ્યું છે. વર્ષ 2012માં આ ફ્રેમવર્ક શરૂ થયા બાદ ભારત અત્યાર સુધીમાં માલદીવ્સને 1.1 અબજ ડૉલરથી વધુની આર્થિક સહાય પૂરી પાડી ચૂક્યું છે. આ અગાઉ પણ ભારતે માલદીવ્સના કહેવા પર 100 મિલિયન ડૉલરના ટ્રેઝરી બિલ્સને રોલઓવર કરીને તાત્કાલિક નાણાકીય દબાણ હળવું કરવામાં મદદ કરી હતી.

આ ફ્રેમવર્ક દક્ષિણ એશિયાઈ દેશો માટે એક સુરક્ષા કવચ તરીકે કામ કરે છે. જ્યારે પણ કોઈ દેશને ચૂકવણી સંતુલન કે આયાત-નિકાસના ભારણના કારણે વિદેશી મુદ્રાની જરૂર પડે, ત્યારે આ વ્યવસ્થા દ્વારા તાત્કાલિક મદદ પહોંચાડવામાં આવે છે. માલદીવ્સ જેવા દેશો, જે સંપૂર્ણપણે પર્યટન અને આયાત પર નિર્ભર છે, તેમના માટે આ વ્યૂહનીતિ આર્થિક અસ્થિરતા રોકવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *