ગાંધી અને સરદારના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ છે. રાજ્યમાં ડ્રગ્સ અને નકલી દારૂનો કાળો કારોબાર જે રીતે ફૂલ્યો-ફાલ્યો છે, તે જોતાં ગૃહ વિભાગ અને ‘ખાખી’ સામે સવાલો ઊભા થયા છે. ભાવનગરમાં લઠ્ઠાકાંડમાં 6 નિર્દોષ નાગરિકોના મોતે સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે.
લઠ્ઠાકાંડે સાબિત કરી દીધું છે કે, દારૂબંધીનો અમલ કરાવવામાં પોલીસ તંત્ર તદ્દન નિષ્ફળ નીવડ્યું છે. બૂટલેગરોને કાયદાનો ડર રહ્યો જ નથી. ગુજરાતમાં આજે પણ દારૂ-ડ્રગ્સનો વેપલો બેરોકટોક રીતે ધમધમી રહ્યો છે. હવે જ્યારે લઠ્ઠાકાંડે પાંચનો ભોગ લીધો છે, ત્યારે પોલીસ દરોડા પાડીને નાટક કરશે. બૂટલેગરોને પકડી દેખાડો કરશે. પણ ફરી દારૂના અડ્ડા ધમધમતાં થઈ જશે.
એક તરફ રાજ્યના ગૃહમંત્રી રીલ્સ બનાવી સોશિયલ મીડિયામાં પ્રચાર કરવામાં વ્યસ્ત છે, ત્યારે બીજી તરફ બૂટલેગરોને પોલીસ કે કાયદાનો કોઈ ડર રહ્યો નથી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનો આરોપ છે કે, ગાંધીનગર સુધી પહોંચતા હપ્તાખોરીના કારણે જ ગુજરાતમાંથી દારૂનું દૂષણ દૂર થતું નથી. મુખ્યમંત્રી અને ગૃહમંત્રીની સીધી જવાબદારી હોવા છતાં બૂટલેગરો બેખોફ બનીને દારૂ-ડ્રગ્સનું નેટવર્ક ચલાવી રહ્યા છે.
આ ઉપરાંત ગુજરાતની સરહદો પર જાણે રામ ભરોસે છે જ્યાં કોઈ સુરક્ષા ચેકિંગ જ ન હોય તેમ, પાડોશી રાજ્યોમાંથી કન્ટેનરો અને ટેન્કરો ભરીને કરોડો લીટર દારૂ રાજ્યમાં ઠલવાઈ રહ્યો છે. પોલીસ તંત્ર અને શાસકોની મિલીભગત તેમજ ‘હપ્તારાજ’ના કારણે રોજ કરોડો રૂપિયાનો નશીલો પદાર્થ ગુજરાતના યુવાધનને બરબાદ કરી રહ્યો છે. રાજ્યના અનેક શહેરો અને જિલ્લાઓમાં તાજેતરમાં નકલી દારૂ બનાવવાની આખેઆખી ફેક્ટરીઓ ઝડપાઈ છે, જે પોલીસની નાક નીચે ચાલી રહી હતી. આ આખી વ્યવસ્થા માટે આખરે જવાબદાર કોણ છે તે સવાલ ઊભો થયો છે.
આ લઠ્ઠાકાંડને ભાજપ સરકારના શાસનકાળનો વધુ એક ‘માનવસર્જિત હત્યાકાંડ’ છે. દારૂ અને ડ્રગ્સના ખુલ્લેઆમ વેપારને કારણે ગુજરાતની અનેક બહેન-દીકરીઓ અને માતાઓ વિધવા કે અનાથ થઈ રહી છે, પરંતુ સંવેદનશીલ હોવાનો દાવો કરતી ગુજરાત સરકારને આ અંગે કોઈ જ અફસોસ દેખાતો નથી. ગૃહમંત્રીની વહીવટી નિષ્ફળતા અને પોલીસની શંકાસ્પદ ભૂમિકાને કારણે આજે ગુજરાત ગુનાખોરીનું હબ બની રહ્યું છે, જે ચિંતાજનક બાબત છે.
