ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝઘડિયા ત્રણ રસ્તા નજીકથી પ્લાસ્ટિકના કેરેટની આડમાં ગેરકાયદે રીતે વહન કરાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. દમણથી રાજપીપળા તરફ લઈ જવાતા આ વિદેશી દારૂના નેટવર્કમાં ભાજપ આગેવાનનું નામ ખૂલતાં ચકચાર મચી ગઈ છે.
કુલ 32.57 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે મળેલી ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવીને ટ્રકને આંતરી હતી. તપાસ કરતા પ્લાસ્ટિકના કેરેટની પાછળ સંતાડવામાં આવેલી વિદેશી દારૂ તથા બીયરની કુલ 11,916 નંગ બોટલો મળી આવી હતી. જેની કિંમત 22.55 લાખ રૂપિયાથી વધુ હોવાનું સામે આવ્યું છે. જ્યારે દારૂનો જથ્થો, ટ્રક અને મોબાઈલ સહિત કુલ 32.57 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
ભાજપ આગેવાન.jpg
ભાજપ આગેવાન સંડોવાયાનો ઘટસ્ફોટ
પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો દમણથી રાજપીપળા તરફ લઈ જવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ટ્રકચાલક બબલુ પ્રજાપતિ નામના શખસની ધરપકડ કરી છે. જ્યારે તપાસ દરમિયાન દારૂના આ કારોબારમાં વોન્ટેડ આરોપીઓ તરીકે શિવમસિંહ ચૌહાણ, દિનેશ વસાવા અને અન્ય એક શખસનું નામ સામે આવ્યું છે. ચોંકાવનારી બાબત એ છે કે વોન્ટેડ આરોપી દિનેશ વસાવા ભાજપનો આગેવાન છે, જ્યારે તેની પુત્રી નર્મદા જિલ્લા પંચાયતમાં ભાજપની સભ્ય છે. રાજકીય જોડાણ ધરાવતા નેતાનું નામ ખુલતાં સમગ્ર જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
ભરૂચના ઝઘડિયા નજીકથી પોલીસે ઝડપી પાડેલા વિદેશી દારૂના મુદ્દામાલ અને તેમાં ભાજપના આગેવાન દિનેશ વસાવા સામે ગુનો નોંધાયા બાદ, ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ પાર્ટીના નેતાઓ અને સિસ્ટમ સામે આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું છે કે, ‘બે નંબરના ધંધા બચાવવા માટે બુટલેગરો ભાજપમાં ઘૂસી આવ્યા છે અને તેને તાત્કાલિક પક્ષમાંથી હાંકી કાઢવા જોઈએ.’
ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડવા બદલ ભરૂચ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા. જોકે, કેસમાં વોન્ટેડ જાહેર થયેલા દિનેશ વસાવા અંગે પ્રહાર કરતાં તેમણે જણાવ્યું હતું કે, ‘દિનેશ વસાવા મોટો બુટલેગર છે અને 15 વર્ષ પહેલાં પણ તેનો 3 કરોડ રૂપિયાનો દારૂ પકડાયો હતો. આવા લોકો પોતાનો ગેરકાયદે કારોબાર બચાવવા માટે જ તે ભાજપમાં જોડાયો છે. મેં જાતે નામજોગ પોલીસને બુટલેગરોનું લિસ્ટ આપ્યું છે, છતાં પોલીસ તેમની સામે યોગ્ય કાર્યવાહી કરતી નથી કે તેમને પકડતી નથી. મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાંથી અત્યંત ખરાબ અને છેલ્લી ક્વોલિટીનો દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે.’
નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ સામે પણ આકરા પ્રહારો કરતા મનસુખ વસાવા દાવો કર્યો હતો કે, ‘મેં અગાઉ જ નીલ રાવને સ્પષ્ટ કહ્યું હતું કે બુટલેગરની દીકરીને જિલ્લા પંચાયતની ટિકિટ આપવી જોઈએ નહીં. મારી રજૂઆત છતાં દિનેશ વસાવાની દીકરીને જિલ્લા પંચાયતની ટિકિટ આપવામાં આવી હતી.’
સાંસદ મનસુખ વસાવાએ આક્રોશ વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે, ‘રેતીના કાળો કારોબાર અને દારૂના અડ્ડા નિશ્ચિંતપણે ચલાવવા માટે અનેક બુટલેગરો ભાજપમાં જોડાઈ રહ્યા છે. આવા અસામાજિક અને બે નંબરના ધંધા કરતા બુટલેગરોને પાર્ટીમાંથી તાત્કાલિક અસરથી કાઢી મૂકવા જોઈએ.’
