છોટા ઉદેપુર જિલ્લાના રંગપુર ગામેથી પાંચ વર્ષની બાળકીનું અપહરણ કરી ફરાર થઈ ગયેલા આરોપીને રંગપુર પોલીસે અમદાવાદથી ઝડપી પાડ્યો છે. 20મી ઓક્ટોબરના રોજ બનેલી આ ઘટનામાં બાળકીના અપહરણ બાદ પોલીસે ત્વરિત કામગીરી હાથ ધરી હતી. પોલીસે ગણતરીના સમયમાં જ બાળકીને બોડેલી રેલવે સ્ટેશન પરથી સલામત રીતે શોધી કાઢી તેના પરિવારજનોને સોંપી હતી.
પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી ગુનાઈત ભૂતકાળ ધરાવે છે. એક વર્ષ અગાઉ બોડેલી પોલીસ સ્ટેશનમાં પોતાના કૌટુંબિક ભાઈની 14 વર્ષની સગીર દીકરી પર દુષ્કર્મ ગુજારવા બદલ તેની સામે પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે. આ ઉપરાંત, કવાંટ પોલીસ સ્ટેશનમાં પણ તેની વિરુદ્ધ પ્રોહિબિશન સંબંધિત ગુનો નોંધાયેલો હોવાનું પોલીસે જણાવ્યું છે.
બાળકીને હેમખેમ શોધી કાઢવા અને ફરાર આરોપીને ઝડપી લેવા બદલ બાળકીના પરિવારજનો તેમજ ગ્રામજનોએ છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા સહિત સમગ્ર પોલીસ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. રંગપુર પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ શરૂ કરી છે.
