વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોને દેશની અર્થવ્યવસ્થાનો સૌથી મજબૂત આધારસ્તંભ બનાવી તેમના ખાતામાં સીધા નાણાં પહોંચાડવાની ઐતિહાસિક વ્યવસ્થા ઊભી કરી છે

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોને દેશની અર્થવ્યવસ્થાનો સૌથી મજબૂત આધારસ્તંભ બનાવી તેમના ખાતામાં સીધા નાણાં પહોંચાડવાની ઐતિહાસિક વ્યવસ્થા ઊભી કરી છે

આણંદ ખાતે અક્ષર ફાર્મ ખાતે રાજ્ય મંત્રીશ્રી અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડાના અધ્યક્ષસ્થાને પીએમ કિસાન ઉત્સવ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે  મંત્રીશ્રી સંજયસિંહ મહિડાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂત કલ્યાણની યોજનાઓને ડિજિટલ માધ્યમથી સીધા જ ખેડૂતોના બેંક ખાતામાં હપ્તાની રકમ જમા કરાવવાની પારદર્શી વ્યવસ્થા કરી છે. અગાઉના સમયમાં મળતી સહાયમાં થતી વિસંગતતાઓ દૂર થઈ છે અને આજે ટેક્નોલોજીની તાકાતથી એક પણ રૂપિયો વચેટીયા વગર સીધો ખેડૂતોના ખાતામાં પહોંચી રહ્યો છે.

આણંદ જિલ્લામાં પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં લાખો લાભાર્થીઓના ખાતામાં કરોડો રૂપિયાની સહાય સીધી જમા કરવામાં આવી છે. આજના આ અવસરે ૨૪મા હપ્તા અંતર્ગત આણંદ જિલ્લાના ૨,૬૧,૪૨૧ ખેડૂતોના ખાતામાં  અંદાજે રૂપિયા ૫૨.૪૩ કરોડની સહાય જમા થઈ છે.

આણંદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રીએ સરકારની ખેડૂત કલ્યાણની યોજનાઓનો ઉલ્લેખ કરતાં ઉમેર્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા પણ ખેડૂતોના હિતમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી પાક સંગ્રહક ગોડાઉન યોજનામાં સહાય વધારીને રૂપિયા બે લાખ કરવામાં આવી છે, જેથી ખેડૂતો પોતાનો પાક સુરક્ષિત રાખી યોગ્ય ભાવ મેળવી શકે. આ ઉપરાંત ખેતીના યંત્રીકરણ માટે ટ્રેક્ટર સહાય, સ્માર્ટફોન સહાય અને જંગલી પ્રાણીઓથી પાક રક્ષણ માટે તારની વાડ બનાવવા જેવી અનેક યોજનાઓનો વ્યાપ વધારવામાં આવ્યો છે.

વધુમાં તેમણે આણંદ જિલ્લો હવે માત્ર સહકારી ક્ષેત્રની ભૂમિ નથી રહ્યો, પરંતુ પ્રાકૃતિક કૃષિનું પણ એક મોડેલ બની ગયો છે. જિલ્લામાં મોટી સંખ્યામાં ખેડૂતો રસાયણમુક્ત પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મંત્રીશ્રીઓના નેતૃત્વમાં સરકાર ખેડૂતોને પગભર કરવા સતત પ્રયાસરત છે, ત્યારે સૌ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવીને દેશ અને રાજ્યને વધુ સમૃદ્ધ બનાવે તે માટે મંત્રીશ્રી સંજયસિંહ મહિડાએ અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના ૧૪૦ કરોડ નાગરિકોની અન્નભૂખ સંતોષવા માટે રાત-દિવસ સતત કાર્યરત રહેતા અન્નદાતા ખેડૂતોના પરિશ્રમના બુનિયાદી સન્માનરૂપે વર્ષ ૨૦૧૭ થી ‘કિસાન સન્માન નિધિ’ યોજના શરૂ કરી છે. આ યોજના ખેડૂતો માટે મુશ્કેલ સમયમાં અને મોસમી જરૂરિયાતો વખતે આર્થિક સંજીવની સમાન સાબિત થઈ રહી છે. આ પ્રસંગે તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ થકી ખેડૂતોના ખાતામાં સીધા નાણાં જમા થવાની પારદર્શી વ્યવસ્થા તેમજ આણંદ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી અપનાવતા ખેડૂતોની ઉત્તરોત્તર વધી રહેલી સંખ્યા અંગે વિશેષ ઉલ્લેખ કર્યો હતો.આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો તથા ખેડૂતોએ બનાસકાંઠાના ડીસા-ભીલડી ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ૨૪મા હપ્તા અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે દેશના ૯.૩૪ કરોડથી વધુ ખેડૂત પરિવારોને રૂ. ૧૮,૬૮૦ કરોડથી વધુ અને ગુજરાતના ૫૨.૩૩ લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ. ૧,૦૫૧ કરોડથી વધુની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત આણંદ જિલ્લાના ૨,૬૧,૪૨૧ ખેડૂતોના બેંક ખાતામાં કુલ રૂ.૫૨.૪૩ કરોડની સહાય જમા કરવામાં આવી છે.

આ પ્રસંગે કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેયર શ્રી દીપિકાબેન પટેલ, જિલ્લા કલેકટર શ્રી ઉત્સવ ગૌતમ, કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી આર. એન. ડોડીયા, અગ્રણી શ્રી જગતભાઈ પટેલ, શ્રી નીરવભાઈ અમીન, કે. ડી. સી. સી. બેંકના ચેરમેન શ્રી તેજસભાઈ પટેલ, અધિક કલેકટર શ્રી રાહુલભાઈ ગમારા, પ્રાંત અધિકારી શ્રી અને મદદનીશ કલેકટર શ્રી અંજલી ઠાકુર, પદાધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં ખેડૂત અને પશુપાલક ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...