આણંદ જિલ્લામાં બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા અને આંગણવાડી કેન્દ્રોને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાના ઉમદા હેતુ સાથે કુલ ૨૦૩ નવા આંગણવાડી કેન્દ્રોના બાંધકામનું આયોજન કરવામાં આવ્યું છે. અંદાજિત રૂ. ૩૬.૩૧ કરોડના ખર્ચે નિર્માણ પામનાર આ કેન્દ્રોનું આજે બનાસકાંઠા જિલ્લાના ભીલડી ગામ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ અમલમાં મૂકવામાં આવતી સંકલિત બાળ વિકાસ સેવા (ICDS) યોજના અંતર્ગત આ મહત્વપૂર્ણ પહેલ દ્વારા ગ્રામ્ય સ્તરે શિક્ષણ, પોષણ અને આરોગ્યલક્ષી સેવાઓને વધુ સુદૃઢ બનાવવાની દિશામાં મક્કમ ડગલું ભરવામાં આવ્યું છે.
આણંદ જિલ્લા પંચાયતના પ્રોગ્રામ ઓફિસર શ્રી તેજલબેન ગોસ્વામીના જણાવ્યા મુજબ આણંદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં જરૂરિયાત મુજબ આંગણવાડી કેન્દ્રોની ફાળવણી કરવામાં આવી છે. આ આયોજન મુજબ સોજીત્રા વિસ્તારમાં સૌથી વધુ ૫૩ આંગણવાડી કેન્દ્રો રૂ. ૯૪૪.૦૦ લાખના અંદાજિત ખર્ચે તૈયાર થશે. ખંભાતમાં ૩૨ કેન્દ્રો માટે રૂ. ૫૭૮.૦૦ લાખ, ઉમરેઠમાં ૩૦ કેન્દ્રો માટે રૂ. ૫૩૬.૫૦ લાખ અને પેટલાદ વિસ્તારમાં ૩૦ કેન્દ્રો માટે રૂ. ૫૨૩.૦૦ લાખની માતબર રકમ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત બોરસદમાં ૨૪ કેન્દ્રો માટે રૂ. ૪૩૯.૫૦ લાખ, આંકલાવમાં ૨૧ કેન્દ્રો માટે રૂ. ૩૭૬.૦૦ લાખ અને આણંદ વિસ્તારમાં ૧૩ આંગણવાડી કેન્દ્રો રૂ. ૨૩૪.૦૦ લાખના ખર્ચે નિર્માણ પામશે.
આંગણવાડી કેન્દ્રોના નવા બાંધકામ પૂર્ણ થવાથી માત્ર બાળકોને જ નહીં, પરંતુ ગ્રામ્ય વિસ્તારની સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓને પણ મોટો લાભ થશે. આ કેન્દ્રો મારફતે પૂરી પાડવામાં આવતી પોષણક્ષમ આહાર અને આરોગ્યલક્ષી સેવાઓ વધુ અસરકારક રીતે લાભાર્થીઓ સુધી પહોંચી શકશે. આ પહેલ આણંદ જિલ્લાના બાળવિકાસલક્ષી માળખાને મજબૂત કરવાની સાથે બાળકોના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ કેન્દ્રો આગામી સમયમાં ગ્રામીણ ઉત્કર્ષ અને સુદૃઢ આરોગ્ય સેવાઓના કેન્દ્ર તરીકે ઉભરી આવશે.
