ભાદરવી પૂનમના મહામેળા નિમિત્તે અંબાજી પદયાત્રા ૨૦૨૬ દરમિયાન ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા “શ્રદ્ધા સાથે સ્વચ્છતા અને ભક્તિ સાથે પર્યાવરણ”ના સૂત્રને સાકાર કરવા માટે “સેવા મેરા યોગદાન” અભિયાન અંતર્ગત પદયાત્રા માર્ગ પર આગળ વધી રહેલા માઈભક્તોને ૧૦ પ્લાસ્ટિક બોટલના સ્થાને ઉપયોગી બને તેવી સ્ટીલની બોટલોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ઘન કચરા વ્યવસ્થાપન નિયમો અંગે લોકજાગૃતિ ફેલાવવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન શેરી નાટકના માધ્યમથી પદયાત્રીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા, કચરો જ્યાં-ત્યાં ન ફેંકતાં કચરાપેટીમાં જ નાખવા તથા ભીના અને સૂકા કચરાને અલગ રાખવા જેવા મહત્વના સંદેશ આપવામાં આવ્યા હતા. ઉપસ્થિત સૌ અધિકારીઓ, ઉદ્યોગ પ્રતિનિધિઓ અને પદયાત્રીઓએ સ્વચ્છતા શપથ લઈ સ્વચ્છતાનો સંકલ્પ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા અંબાજી પદયાત્રા માર્ગ પર કુલ ૫,૦૦૦ સ્ટીલ બોટલો તેમજ માર્ગ પરના સેવા કેમ્પો ખાતે કમ્પોસ્ટેબલ થેલીઓના વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પહેલનો મુખ્ય હેતુ પ્લાસ્ટિકની બોટલો અને થેલીઓનો ઉપયોગ ઘટાડી, જનભાગીદારી થકી સ્વચ્છતાના સંકલ્પને સાકાર કરવાનો તથા નાગરિકોને પર્યાવરણમિત્ર જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો છે.
આ પ્રસંગે GPCB દ્વારા સર્વે માઈભક્તોને અનુરોધ કરવામાં આવ્યો હતો કે, પદયાત્રા દરમિયાન પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળી, કચરાનો યોગ્ય નિકાલ કરી, મા અંબાના ધામ તથા પદયાત્રા માર્ગને સ્વચ્છ રાખવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપે.
આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સભ્ય સચિવ શ્રીમતી દિપાલી ટાંક, હિંમતનગર નાયબ કલેક્ટર શ્રીમતી ધારણિ એમ.,GPCBના યુનિટ હેડ શ્રી અશ્વિન મિસ્ત્રી, પ્રાદેશિક અધિકારી (RO) તથા GPCB હિંમતનગર કચેરીનો સ્ટાફ, વિવિધ ઉદ્યોગોના પ્રતિનિધિઓ, NEPRAની ટીમ તેમજ શેરી નાટક મંડળીએ ઉત્સાહભેર સક્રિય ભાગ લીધો હતો.
