મહારાષ્ટ્રના પુણેમાંથી એક મોટી ઘટના સામે આવી છે, જ્યાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના પ્રમુખ રાજ ઠાકરે પર કથિત વિવાદિત ટિપ્પણી કરનાર સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને રીલ સ્ટાર મહેશ મોટે વિરુદ્ધ કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો. મહેશે સોશિયલ મીડિયા પર રાજ ઠાકરે વિશે અપશબ્દો અને વિવાદિત નિવેદન આપ્યું હતું, જેના કારણે ગુસ્સે ભરાયેલા MNS કાર્યકર્તાઓએ જાણે દાદાગીરી બતાવી હોય એ રીતે તેને પકડીને તેની પાસે માફી મગાવી હતી.
MNS ના હડપસર વિધાનસભા ક્ષેત્રના ઉપવિભાગ અધ્યક્ષ શુભમ જગદાલેના જણાવ્યા અનુસાર, મહેશ મોટે આ વિવાદિત વિડિયો બનાવ્યા બાદ 15-20 દિવસ માટે કેરળ ચાલ્યો ગયો હતો. ગત રાત્રે જેવો તે પુણેના કાત્રજ વિસ્તારમાં પરત ફર્યો હોવાની બાતમી મળી, તરત જ MNS કાર્યકર્તાઓએ તેને કાત્રજની એક પાર્કમાંથી ઝડપી લીધો અને તેને પકડીને MNS ના જનસંપર્ક કાર્યાલય ખાતે લઈ આવ્યા, જ્યાં તેના ચહેરા પર કાળો કૂચડો ફેરવી દેવામાં આવ્યો હતો.
ઘટના બાદ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર મહેશ મોટેનો એક માફીનામાનો વિડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે ફૂટ-ફૂટ કરીને રડતો નજરે પડી રહ્યો છે. તેણે વીડિયોમાં સ્વીકાર્યું કે મહારાષ્ટ્રમાં રહીને રાજ ઠાકરે કે MNS પાર્ટી વિરુદ્ધ ક્યારેય ખોટું ન બોલવું જોઈએ. તેણે પોતાની ભૂલ સ્વીકારી હાથ જોડીને માફી માંગી હતી અને લોકોને અપીલ કરી હતી કે તેને હવે વધુ પરેશાન ન કરવામાં આવે.
