સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સાબર સ્ટેડિયમ, હિંમતનગર ખાતે રંગોળી અને કોલાજ વર્ક સ્પર્ધા યોજાઈ

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સાબર સ્ટેડિયમ, હિંમતનગર ખાતે રંગોળી અને કોલાજ વર્ક સ્પર્ધા યોજાઈ
  “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત “વિકસિત ભારત @ 2047”ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, કલાત્મક અભિવ્યક્તિ અને રાષ્ટ્રીય વિકાસ પ્રત્યેની જાગૃતિ કેળવવાના હેતુથી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના સંયુક્ત આયોજન હેઠળ રંગોળી સ્પર્ધા તથા કોલાજ વર્ક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સાબરકાંઠા જિલ્લામાં યોજાયેલી રંગોળી સ્પર્ધામાં કુલ ૩૧૭ શાળાઓના ૧૧,૧૮૭ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળા કક્ષાએ આયોજિત સ્પર્ધામાંથી પ્રથમ ક્રમે આવેલા વિદ્યાર્થીઓ માટે  જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા કક્ષાની સ્પર્ધા અંતર્ગત હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે હિંમતનગર, પ્રાંતિજ અને તલોદ તાલુકાના કુલ ૧૧૯ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ રંગો, વિવિધ આકારો અને કલાત્મક સામગ્રીના માધ્યમથી પોતાની સર્જનાત્મકતા રજૂ કરી હતી. રંગોળી દ્વારા “વિકસિત ભારત @ 2047”, રાષ્ટ્રપ્રેમ, સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ તથા સામાજિક જાગૃતિ જેવા વિવિધ સંદેશોને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત કોલાજ વર્કમાં વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરીને સર્જનાત્મક કૃતિઓ તૈયાર કરી હતી. વિદ્યાર્થીઓની કલ્પનાશક્તિ, નવીન વિચારસરણી અને કલાત્મક પ્રતિભાનો સુંદર પરિચય આ કૃતિઓમાં જોવા મળ્યો હતો. આ પહેલથી વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક પ્રવૃત્તિઓ પ્રત્યે રસ વધારવાની સાથે તેમની પ્રતિભાને યોગ્ય મંચ અને પ્રોત્સાહન મળી રહેશે.

“સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત યોજાયેલી આ સ્પર્ધાએ વિદ્યાર્થીઓને પોતાની કલાત્મક પ્રતિભા રજૂ કરવા માટે મહત્વપૂર્ણ તક પૂરી પાડી હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની સહભાગિતાથી સમગ્ર આયોજનમાં ઉત્સાહ અને સર્જનાત્મકતાનું વાતાવરણ સર્જાયું હતું. આવી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, સર્જનાત્મકતા અને સામાજિક જવાબદારીની ભાવનાને પ્રોત્સાહન મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...