સોનાક્ષી સિન્હાની ટ્રોલિંગ પર ભડક્યા શત્રુઘ્ન સિન્હા, BJP IT સેલ પર લગાવ્યા આરોપ

સોનાક્ષી સિન્હાની ટ્રોલિંગ પર ભડક્યા શત્રુઘ્ન સિન્હા, BJP IT સેલ પર લગાવ્યા આરોપ

દિલ્હીમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનનું સમર્થન કર્યા બાદ અભિનેત્રી સોનાક્ષી સિંહાને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. હવે આ સમગ્ર વિવાદ પર તેના પિતા, જાણીતા અભિનેતા અને તૃણમૂલ કોંગ્રેસના નેતા શત્રુઘ્ન સિંહા પોતાની દીકરીના ખુલ્લા સમર્થનમાં આવ્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે ટ્રોલર્સ પર આકરા પ્રહારો કર્યા હતા અને ભાજપના આઇટી સેલ પર પૈસા આપીને દીકરીને ટ્રોલ કરાવવાનો ગંભીર આરોપ મૂક્યો હતો. સાથોસાથ, તેમણે સોનાક્ષીના રાજકારણમાં પ્રવેશ અંગે પણ મોટું નિવેદન આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે, દિલ્હીના જંતર-મંતર પરથી સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકને હટાવવામાં આવ્યા બાદ સોનાક્ષી સિંહાએ પોતાની વાત રજૂ કરી હતી. વાંગચુક અને પ્રદર્શનકારી વિદ્યાર્થીઓના સમર્થનમાં એક વીડિયો શેર કરીને અભિનેત્રીએ આ ઘટનાની સખત નિંદા કરી હતી અને પોતાના હક માટે પ્રદર્શન ચાલુ રાખનારાઓની પ્રશંસા કરી હતી. આ ઉપરાંત, તેણે ઝારખંડમાં આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓને પણ ટેકો આપ્યો હતો.

ઓનલાઇન ટ્રોલિંગ મામલે શત્રુઘ્ન સિંહાએ જણાવ્યું હતું કે, સોનાક્ષી વિરુદ્ધ જે ટ્રોલિંગ થઈ રહ્યું છે તે સંપૂર્ણપણે પ્લાન કરેલું અને પેઇડ છે:

“જે લોકો તેને ટ્રોલ કરે છે અને તેની સામે હંગામો મચાવવાનો પ્રયાસ કરે છે, તેમાંથી મોટાભાગના પેઇડ ટ્રોલ્સ છે. આપણા મિત્રોનું જે આઇટી સેલ છે… ભાજપનું, તે આ બધું કરાવી રહ્યું છે.”તેમણે વધુમાં ઉમેર્યું હતું કે:

“જે લોકો તેમની નીતિઓનું સમર્થન કરે છે, તેઓ પણ આવું કરી રહ્યા છે. આ ટ્રોલિંગ બનાવીને કરવામાં આવેલું છે. આ બધા પેઇડ ટ્રોલ્સ છે, જેમને પોતાને પણ ખબર નથી કે શું બોલવું. તેમને લખીને આપવામાં આવે છે. પરંતુ સોનાક્ષીએ એ કહીને ખૂબ સારું કર્યું કે તે આવા ટ્રોલ્સ સામે જોતી પણ નથી. તેનામાં ખૂબ હિંમત છે.”

સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર સોનાક્ષી સિંહા દ્વારા ખુલીને રજૂ કરાતા વિચારોને કારણે તે ભવિષ્યમાં રાજકારણમાં આવશે કે નહીં તેવી અટકળો તેજ બની છે. જ્યારે શત્રુઘ્ન સિંહાને પૂછવામાં આવ્યું કે શું તેમની દીકરી રાજકારણમાં આવવાની કોઈ યોજના બનાવી રહી છે, ત્યારે તેમણે જવાબ આપતાં કહ્યું:
“હું કહી શકતો નથી. પહેલાં હું તેને પૂછતો હતો. હું ફક્ત એટલું કહી શકું છું કે તે એક કાબિલ પિતાની સૌથી કાબિલ દીકરી છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...