હડાદમાં સ્વરોજગારી આપવાના બહાને 150થી વધુ મહિલાઓ સાથે છેતરપિંડી થયાનો આક્ષેપ સામે આવ્યો છે. હિંમતનગરની ધરતી નામની NGO સંસ્થાની સંચાલિકા નિશાબેન પરમારે સિવણ ક્લાસની ત્રણ મહિનાની તાલીમ આપવાનું કહી મહિલાઓ પાસેથી વ્યક્તિદીઠ 2,000 રૂપિયા ઉઘરાવ્યા હોવાની ફરિયાદ હડાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ, હિંમતનગરની ધરતી નામની NGO સંસ્થા દ્વારા હડાદ અને આસપાસના વિસ્તારની અનુસૂચિત જાતિ-જનજાતિની તેમજ આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને સ્વરોજગારીની તક આપવાની વાત કરવામાં આવી હતી. સંસ્થાની સંચાલિકા નિશાબેન પરમારે મહિલાઓને સિવણ ક્લાસ શરૂ કરવાનો અને તેના માટે ત્રણ મહિનાની તાલીમ આપવાનો વિશ્વાસ અપાવ્યો હતો. આ તાલીમના નામે દરેક મહિલા પાસેથી 2,000 રૂપિયા લેવામાં આવ્યા હતા.
આખરે ભોગ બનેલી મહિલાઓ એકત્ર થઈ હતી અને સમગ્ર મામલે હડાદ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. મહિલાઓએ પોતાની ફરિયાદમાં સંસ્થા દ્વારા વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ સંસ્થા સામે તપાસ હાથ ધરી જવાબદારો વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે. સ્વરોજગારી અને સિવણની તાલીમ મેળવી આર્થિક રીતે પગભર થવાની આશા રાખતી મહિલાઓ પાસેથી રૂપિયા ઉઘરાવવાના આક્ષેપને પગલે સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે.
