પત્નીના પ્રેમ સંબંધની જાણ થતાં પત્નીના પ્રેમીને ઘરે બોલાવ્યા બાદ તેને ઝેરી દવા પીવડાવી લાકડાના ફટકા મારી હત્યા કરવાના ચકચારી બનાવમાં સંડોવાયેલા દંપતીને અદાલતે પતિ-પત્નીને આજીવન કેદની સજા ફટકારી હતી. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે, આ કેસમાં પ્રેમ પ્રકરણ અને પૂર્વ આયોજિત કાવતરાના પુરાવાઓ સ્પષ્ટપણે આરોપીઓની સંડોવણી દર્શાવે છે.
મિલન ઘરે આવતા આરોપી રાજુએ મિલનના માથાના ભાગે લાકડાના પાયા તથા ડંડા વડે જીવલેણ હુમલો કર્યો હતો અને શિવાનીએ તેને ઝેરી દવા પીવડાવી હતી, જેના કારણે મિલનનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે નંદેસરી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી બન્નેની ધરપકડ કરી હતી.આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતાં તેમાં 30 સાક્ષીઓની જુબાની તેમજ 75 થી વધુ દસ્તાવેજી પુરાવાઓ ચકાસવામાં આવ્યા હતા.
કેસની સુનાવણીમાં સરકારી વકીલ કે.એમ. જોશીએ દલીલો કરી હતી. ન્યાયાધીશ આર.એ. અગ્રવાલે બન્ને પક્ષની દલીલ તેમજ પુરાવાને ધ્યાને આરોપી રાજુ દલપતભાઇ ગોહિલ અને શિવાની રાજુભાઇ ગોહિલ (બન્ને રહે.રાજગઢ, અનગઢ,તા.વડોદરા)ને આજીવન કેદની સજા તેમજ રૂ.10 હજારનો દંડ ફટકાર્યો હતો.
