ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના પાટણા ગામ નજીક હાઇવે રોડ પર એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. રોડ પર ઉભા રાખવામાં આવેલા આઇશર ટ્રક સાથે મોટરસાઇકલ ભટકાતાં તળાજા તાલુકાના મથાવડા ગામના બે યુવાનોના ઘટનાસ્થળે જ કરૃણ મોત નિપજ્યા છે.
મળતી માહિતી મુજબ, મથાવડા ગામના કિરણભાઈ અમ્તભાઈ સોલંકી અને અરુણભાઈ શિવાભાઇ બારૈયા પોતાના ટીવીએસ રાઇડર મોટરસાઇકલ (જીજે-૦૪-ઈએસ-૬૭૫૧) પર ચોટીલા અને સાળંગપુર દર્શન કરવા ગયા હતા. ૧૧ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ બપોરના સમયે દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે પાટણા ગામથી આગળ હાઇવે પર આગળ જઈ રહેલ આઇશર વાહન (જીજે-૨૨-યુ-૨૧૫૨) ના ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે ચલાવી રોડ વચ્ચે અચાનક ઉભું રાખી દીધું હતું.
પાછળથી આવી રહેલી મોટરસાઇકલ આઇશર સાથે ધડાકાભેર અથડાતાં બાઇક ચાલક કિરણભાઈ અને પાછળ બેઠેલા અરુણભાઈને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે બંનેને વલ્લભીપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા.
