નર્મદા જિલ્લાના સાગબારા જંગલ ધરણાના આંદોલનનો અંત આવ્યાના ગણતરીના દિવસોમાં જ નાલ ગામના આદિવાસી ખેડૂતોને ખેડાણ કરવા જતાં વન વિભાગના કર્મચારીઓ સાથે ફરી બબાલ થઈ હતી. 23 દિવસ ચાલેલા આ આદિવાસી ખેડૂતોના આંદોલન મામલે તાજેતરમાં સોમવારે (31મી ઑગસ્ટ) ભાજપના બે મંત્રીઓ અને સાંસદે આંદોલનકારીઓને પારણા કરાવીને વિવાદનો ઉકેલ લાવવાનો દાવો કર્યો હતો, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ જોવા મળી રહી છે.
સાગબારા તાલુકાના નાલ ગામે પેન્ડિંગ વન અધિકાર અધિનિયમ (FRA) દાવેદારોને તેમના દાવાવાળા વિસ્તારમાં ખેડાણ કરતા વન વિભાગ દ્વારા અટકાવવામાં આવ્યા હોવાના આક્ષેપથી જંગલ જમીનનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે. પહેલી સપ્ટેમ્બરે બનેલી આ ઘટનાને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલાએ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ગંભીર રજૂઆત કરી તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.
કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલાએ સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે રાજ્ય સરકારના પ્રતિનિધિઓ, મંત્રીઓ તથા સાંસદની હાજરીમાં પેન્ડિંગ FRA દાવાઓની પ્રક્રિયા અંગે ખાતરી આપવામાં આવી હતી, તો પછી ખેડૂતોને રોકવાનો આદેશ કોના દ્વારા આપવામાં આવ્યો? આ સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસ કરી ખેડૂતોને હેરાન કરનાર જવાબદાર અધિકારી કે કર્મચારીની જવાબદારી નક્કી કરવાની અને વીડિયો પુરાવા ચકાસવાની માંગ કરી છે.
આ સમગ્ર ઘટનામાં સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે એફઆરએ (FRA) હેઠળના દાવાઓની પ્રક્રિયા હાલ પેન્ડિંગ છે, ત્યારે ખેડૂતોને તેમના પરંપરાગત દાવાવાળા વિસ્તારમાં ખેડાણ કરતા અટકાવવા માટે વન વિભાગ પાસે કાયદેસરનો શું આધાર છે? આ મામલે જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ખેડૂતોને હેરાન ન કરવાની પ્રબળ માંગ ઉઠી રહી છે.
