બેલેન્સ રેકોર્ડ સ્તરે: ખર્ચ ઘટીને માત્ર 87 લાખ થયો, 8 હજાર 452 કરોડ રૂપિયા જમા

બેલેન્સ રેકોર્ડ સ્તરે: ખર્ચ ઘટીને માત્ર 87 લાખ થયો, 8 હજાર 452 કરોડ રૂપિયા જમા

વર્ષ 2024-25માં પ્રધાનમંત્રી નાગરિક સહાયતા અને કટોકટી રાહત ફંડ (PM CARES Fund)માં મળતું વાર્ષિક યોગદાન ઘટીને ₹479.96 કરોડ રહી ગયું છે. પીએમ કેર્સ ફંડ પોર્ટલ પર જાહેર કરાયેલા ઓડિટેડ હિસાબી વિગતો અનુસાર, આ કુલ યોગદાનમાં ₹479.04 કરોડ ઘરેલુ દાનમાંથી આવ્યા છે, જ્યારે વિદેશી દાન માત્ર ₹92 લાખ જેટલું જ રહ્યું છે. દાનમાં થયેલા આ ઘટાડા છતાં, ખર્ચ સાવ નહિવત થવાના કારણે નાણાકીય વર્ષના અંતે ફંડમાં જમા બેલેન્સ અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે.

 નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન પીએમ કેર્સ ફંડને માત્ર દાન જ નહીં પરંતુ અન્ય સ્રોતોમાંથી પણ નોંધપાત્ર આવક થઈ છે. ફંડને ફિક્સ ડિપોઝિટ (FD) અને રેગ્યુલર એકાઉન્ટ્સમાંથી વ્યાજ પેટે ₹475.14 કરોડ પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત, બેંકો દ્વારા કાપવામાં આવેલા TDSના રિફંડ તરીકે ₹13.49 લાખ અને અમલીકરણ એજન્સીઓ પાસેથી પરત મળેલી રકમ પેટે ₹324.65 કરોડ ફંડમાં જમા થયા છે.

એક તરફ દાન ઘટ્યું છે તો બીજી તરફ ફંડમાંથી થતો વાર્ષિક ખર્ચ સાવ ઘટીને માત્ર ₹87.85 લાખ રહી ગયો છે, જે છેલ્લા 5 વર્ષોમાં સૌથી ઓછો છે. આ કુલ ખર્ચમાંથી ₹87.84 લાખ ‘PM Cares for Children’ યોજના પાછળ વપરાયા છે, જ્યારે ₹451 બેંક અને એસએમએસ ચાર્જ પેટે ચૂકવાયા છે. નોંધનીય છે કે, અગાઉના વર્ષોમાં આ ખર્ચ ઘણો વધારે હતો; 2023-24માં ₹15.59 કરોડ, 2022-23માં ₹437.87 કરોડ, 2021-22માં ₹3,716.29 કરોડ અને કોરોનાના સમયગાળા દરમિયાન 2020-21માં વિક્રમજનક ₹3,976.17 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.ફંડની કુલ બેલેન્સ ₹8452.06 કરોડે પહોંચી

ઓછા ખર્ચના કારણે નાણાકીય વર્ષ 2024-25ના અંતે ફંડમાં રહેલી કુલ બેલેન્સ ₹8452.06 કરોડના ઓલ-ટાઈમ હાઈ સ્તરે પહોંચી ગઈ છે. આ બેલેન્સ અગાઉના નાણાકીય વર્ષ (2023-24)ના ₹7173.03 કરોડની સરખામણીએ 17.83%નો વધારો દર્શાવે છે. પીએમ કેર્સ ફંડમાં સૌથી વધુ દાન કોરોના મહામારી દરમિયાન વર્ષ 2020-21માં મળ્યું હતું, જેમાં ₹7183.77 કરોડ ઘરેલુ અને ₹494.93 કરોડ વિદેશી દાનનો સમાવેશ થતો હતો. ત્યારબાદના વર્ષોમાં દાનના આંકડામાં સતત ઘટાડો નોંધાયો છે.પીએમ કેર્સ ફંડનું માળખું

માર્ચ 27, 2020 ના રોજ કોવિડ-19 રોગચાળા દરમિયાન દેશવ્યાપી લોકડાઉન લાગુ થયાના ગણતરીના દિવસોમાં પીએમ કેયર્સ ફંડને ‘રજિસ્ટ્રેશન એક્ટ, 1908’ હેઠળ એક પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે રજિસ્ટર કરવામાં આવ્યું હતું. દેશના પ્રધાનમંત્રી આ ટ્રસ્ટના હોદ્દાની રૂએ (Ex-officio) અધ્યક્ષ છે, જ્યારે સંરક્ષણ મંત્રી, ગૃહ મંત્રી અને નાણા મંત્રી તેના હોદ્દાની રૂએ ટ્રસ્ટી તરીકે સેવા આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...