દાહોદ જિલ્લામાં આવેલું છે એક એવું પૌરાણિક શિવાલય જેનું બાંધકામ 12મી સદીનું હોવાનું માનવામાં આવે છે. હાલ આ શિવાલય ખંડિત અવસ્થામાં છે, પરંતુ લોકોમાં મહાદેવજી પ્રત્યેની શ્રદ્ધા હજુ અડીખમ છે. દાહોદથી 10 કિલોમીટરના અંતરે આવેલું છે આ ‘બાવકા શિવપંચાયતન’ મંદિર. આવો જાણીએ આ શિવાલયની રોચક ગાથા.
આ મંદિર અંગેની કોઈ સ્પષ્ટ કથાનો તાગ મળતો નથી. બહુ જૂજ જગ્યાએ આ મંદિર હોવાના ઉલ્લેખ જોવા મળે છે. આ શિવાલય સંવત 1260 પછી બંધાવવામાં આવ્યું હોય તેવું માનવામાં આવે છે. આ ઉપરાંત બાવકાના શિવમંદિર સાથે જોડાયેલી અન્ય એક પ્રચલિત લોકવાયકા એવી પણ છે કે, એક દેવદાસીએ એક જ રાતમાં આ આખું મંદિર બંધાવ્યું હતું.
