રાજકોટ રૂડા ટ્રાન્સપોર્ટનગરમાં એસઓજીએ ગેરકાયદે રીતે ધમધમતા શંકાસ્પદ પેટ્રોલિયમ પ્રવાહીના પંપ ઉપર દરોડો પાડી ૧૯૦૦ લિટર પ્રવાહી કબજે કર્યું હતું. તેની સાથે ઇલેક્ટ્રીક ફ્યુલ પંપ, પ્લાસ્ટિકના કન્ટેનર, લેપટોપ, ઇલેક્ટ્રિક મોટર, મીટર રીડીંગ લખેલી નોટબૂક, નાની-મોટી ડાયરીઓ, બિલ બૂક અને પ્લાસ્ટિકની નાની-મોટી બોટલો મળી કુલ રૂા.૩.૧૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
એસઓજીને એવી બાતમી મળી હતી કે, અગાઉ બાયોડિઝલના કેસમાં પકડાયેલો વિસાવદરનો મહેલમ ફીરોઝભાઇ ભારમલ શંકાસ્પદ પેટ્રોલિયમ પ્રવાહીનો જથ્થો અલગ-અલગ વાહનોમાં પુરી આપે છે.
જેના આધારે ગોડાઉનમાં રેડ કરતા ગેરકાયદે પંપ મળી આવ્યો હતો.
સ્થળ પરથી મહેલમ સાથે રણજીત ધાંધલ (રહે. રાધેશ્યામ સોસાયટી, હુડકો ચોકડી) પણ મળી આવ્યો હતો.
જોકે એસઓજીને આ પેટ્રોલિયમ પ્રવાહી કઇ રીતે બનાવાયું તે વિશે કોઇ માહિતી મળી નથી. પેટ્રોલિયમ પ્રવાહીમાં ખરેખર શું-શું છે તે જાણવા માટે તેના નમૂના લઇ એફએસએલમાં મોકલી આપ્યા છે. જેનો રીપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરાશે.
હાલ એસઓજીએ કુવાડવા રોડ પોલીસ મથકમાં જાણવાજોગ નોંધ કરી તપાસ શરૂ કરી છે. તેના સુત્રોએ જણાવ્યું કે, મહેલમને વિસાવદરમાં જ આ શંકાસ્પદ પેટ્રોલિયમ પ્રવાહી બનાવવાનો પ્લાન્ટ છે. આ શંકાસ્પદ પ્રવાહી ટ્રક, ટેન્કર સહિતના વાહનોમાં પૂરી આપતો હતો.
