ગત 13 જુલાઈના રોજ અમદાવાદ RTO ખાતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AI આધારિત ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક (ADTS)ને શરૂ કરાયો તેને એક મહિનો થઈ ગયો છે. સંપૂર્ણ AI હોવાને લીધે ડ્રાઈવિંગ ટેસ્ટ આપનાર અરજદારની નાનામાં નાની ભૂલ પણ પકડાઈ જાય છે. અહીં ટોકન સિસ્ટમ દ્વારા દિવસમાં ફોર વ્હિલરના 100થી 110 અને ટુ વ્હિલરના 160-180 જેટલા લોકોના પાકા લાયસન્સ માટે ટેસ્ટ લેવામાં આવે છે.
આમ એક મહિનામાં ફોર-વ્હિલર (LMV)નું લાયસન્સ માટે આવતા 80 ટકાથી વધુ લોકો ટેસ્ટમાં ફેઈલ થયા છે. જ્યારે ટુ-વ્હિલરમાં પાસ થવાનો રેશિયો પ્રમાણમાં સારો 73 ટકા છે. આ આંકડાઓ પરથી સ્પષ્ટ છે કે, ડ્રાઇવિંગ ટેસ્ટના ડેમો પ્રત્યેની બેદરકારી, નિયમો સમજવામાં ઉદાસીનતા અને અપૂરતી સ્કીલ સાથે હવે પાકું લાયસન્સ મેળવવું લોઢાના ચણા ચાવવા સમાન બની ગયું છે.
અમદાવાદ આરટીઓના અધિકારીએ જણાવ્યા મુજબ, ADTS શરૂ થયાને એક મહિના જેવો સમય થઈ ગયો છે, જેમાં LMVની વાત કરીએ તો અત્યાર સુધી કુલ 2060 ટેસ્ટ લેવામાં આવ્યા છે અને તેમાંથી 358 જેટલા અરજદારો પાસ અને 1702 ફેઈલ થયા છે, જેનો પાસ થવાનો રેશિયો 17.38% જેટલો થાય છે. ટુ-વ્હિલરના કુલ 3456 ટેસ્ટ લેવામાં આવ્યા છે, જેમાંથી 2548 અરજદારો પાસ અને 1702 ફેઈલ થયા છે અને તેનો પાસ થવાનો રેશિયો 73.73% થાય છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, અમદાવાદ આરટીઓ ખાતે અમે એલએમવીમાં રોજ આશરે 100થી 110 અને ટુ-વ્હિલરમાં 160થી 180ની વચ્ચે ટેસ્ટ લઈએ છીએ. ટ્રેક પર આવતી સમસ્યાઓની ફરિયાદો અંગે સ્પષ્ટતા કરું તો, જ્યારથી અમદાવાદમાં આ સિસ્ટમ શરૂ થઈ છે ત્યારથી એક-બે જૂજ કિસ્સાઓને બાદ કરતાં ભારે વરસાદની સ્થિતિમાં પણ અમારું એડીટીએસ ખૂબ જ સારી રીતે ચાલ્યું છે અને એવા કપરા દિવસોમાં પણ ટેસ્ટ રાબેતા મુજબ ચાલુ જ રહ્યા છે.
નોંધનીય છે કે, આ AI ડ્રાઈવિંગ ટેસ્ટમાં ફોર વ્હિલરનો ટેસ્ટ આપનારા 80 ટકા અરજદારો પેરેલલ પાર્કિંગમાં ફેઈલ થાય છે તો, ટુ વ્હિલરનો ટેસ્ટ આપનારા અંદાજે 85 ટકા જેટલા લોકો છેલ્લા ટર્ન પાસે ફૂટ ડાઉનને લીધે ફેઈલ થાય છે. આ રીતે ફેઈલ થવાના મુખ્ય ત્રણ કારણો છે. જેમાં પહેલું કારણ એ છે કે, લોકો ડ્રાઈવિંગ ટેસ્ટ આપતી વખતે સરખું ધ્યાન આપતા નથી.
બીજુ કારણ એ છે કે, ડ્રાઈવિંગ ટેસ્ટ પહેલાં તેનો ડેમો વીડિયો બતાવવામાં આવે છે એ વીડિયો જોતી વખતે અરજદાર કાંતો મોબાઈલમાં વ્યસ્ત હોય છે કાં તો જોવા ખાતર ડેમો વીડિયો જોવે છે. ત્રીજુ કારણ એ છે કે, ફોર વ્હિલર ચલાવવાની પ્રોપર સ્કીલ વગર ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા આવતા હોવાને લીધે ફેઈલ થાય છે.
