અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં આવેલા તીર્થભૂમિ એપાર્ટમેન્ટના કમ્પાઉન્ડમાંથી બીજી ઓક્ટોબરે કોલેજમાં અભ્યાસ કરતા 21 વર્ષીય વિદ્યાર્થીને અજાણ્યા શખસો બોથડ પદાર્થ વડે ઢોર માર મારી, નગ્ન હાલતમાં ફેંકીને ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતક યુવક મિત્રોને મળવાનું કહીને બાઇક લઇને ઘરેથી નીકળ્યો હતો. આ મામલે ઇસનપુર પોલીસે અજાણ્યા શખસો સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતા માહિતી અનુસાર, ઇસનપુરમાં રહેતા 44 વર્ષીય હર્ષિત ચૌહાણ વકીલાત કરે છે. ભાવનગર ખાતે રહેતો તેનો 21 વર્ષીય ભાણિયો જીગર સોલંકી છેલ્લા અઢી મહિનાથી તેની સાથે રહેતો હતો અને દોઢ વર્ષથી ગોતા સિલ્વર ઓક કોલેજમાં બી.વોક ફાયનાન્સમાં અભ્યાસ કરતો હતો. અગાઉ તે પીજીમાં રહેતો હતો. ગત બીજી ઓક્ટોબરના રોજ હર્ષિત જયમાલા નજીક મિત્રો સાથે બેઠા હતા, ત્યારે એક સંબંધીનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે જીગર સાથે કોઈ અણબનાવ બન્યો છે. હર્ષિતે તાત્કાલિક જીગરના નંબર પર ફોન કરતાં કોઈ અજાણી વ્યક્તિએ કોલ રિસીવ કર્યો હતો. તે વ્યક્તિએ જણાવ્યું હતું કે જીગર સરદાર પટેલ સ્કૂલ પાછળ આવેલા તીર્થભૂમિ એપાર્ટમેન્ટમાં નગ્ન અવસ્થામાં પડેલો છે અને કોઈએ તેને માર માર્યો છે.
હર્ષિત તુરંત સ્થળ પર પહોંચ્યા ત્યારે જીગરના શરીર પર બોથડ પદાર્થના ઘા હતા અને તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતો. તેને તુરંત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં જીગર મિત્રોને મળવા બાઇક લઈને ઘરેથી નીકળ્યો હોવાનું સામે આવ્યું હતું. આ અંગે હર્ષિતે અજાણ્યા શખસો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ તેજ કરી છે.
