પતિએ ઠપકો આપતા સુરતના સરથાણામાં પત્નીનો આપઘાત

પતિએ ઠપકો આપતા સુરતના સરથાણામાં પત્નીનો આપઘાત

સુરતના સરથાણા વિસ્તારમાં સોમવારે (19મી ઓક્ટોબર) સવારે એમ્બ્રોઈડરીના કારખાનેદારની પત્નીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. સોસાયટીમાં ગરબા રમીને પત્ની ઘરે મોડી ગઈ હતી. આ મુદ્દે પતિ અને પત્ની વચ્ચે રકઝક થયા બાદ પત્નીને માઠું લાગતાં આ પગલું ભરતાં ચકચાર મચી જવા પામી હતી.

મળતી માહિતી અનુસાર, મૂળ ભાવનગર જિલ્લાના વતની અને હાલ સરથાણા વિસ્તારમાં સાવલિયા સર્કલ નજીક આવેલા સાવન પ્લાઝામાં રહેતા 35 વર્ષીય કિંજલ કાકડિયા સોમવારે ઘરે એકલા હતા. તેના પરિચિતે તેમના ઘરનો દરવાજો લાંબા સમય સુધી ખખડાવ્યો પણ અંદરથી કોઈ જવાબ મળ્યો નહોતો. આ અંગે તેના પતિ સહિતના વ્યક્તિઓને જાણ કરવામાં આવી હતી. બાદમાં ત્યાંના લોકો દરવાજો ધક્કો મારીને તોડી અંદર ગયા હતા. ત્યારે કિંજલ ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃત જોઈ હેબતાઈ ગયા હતા.

ઘટના અંગે પોલીસને જાણ કરાતાં પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહ નીચે ઉતારી હોસ્પિટલ મોકલી આપ્યો હતો. ફોરેન્સિક વિભાગના ડો. સંદીપે જણાવ્યું કે, ફાંસો ખાવાથી શ્વાસ રૂંધાઈ જવાથી મોત થયું હતું.

સરથાણા પોલીસ મથકના એએસઆઈ વિનોદભાઈએ જણાવ્યું કે, કિંજલ ગત રાત્રે સોસાયટીમાં ગરબા રમવા ગયા હતા અને મોડી રાત્રે ઘરે પરત આવ્યા હતા, જેથી પતિએ વહેલા ઘરે આવવા કહ્યું હતું. આ મુદ્દે બંને વચ્ચે રકઝક થયા બાદ માઠું લાગતાં આ પગલું ભર્યું હોવાની શક્યતા છે. તેમના પતિ આંજણા ફાર્મ ખાતે એમ્બ્રોઈડરીનું ખાતું ધરાવે છે અને તેને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...