રૂપાલમાં નીકળી મા વરદાયિનીની ઐતિહાસિક પલ્લી 27 ચકલામાં લાખો લિટર ઘીનો અભિષેક, શેરીઓમાં ઘીની નદીઓ વહી

રૂપાલમાં નીકળી મા વરદાયિનીની ઐતિહાસિક પલ્લી 27 ચકલામાં લાખો લિટર ઘીનો અભિષેક, શેરીઓમાં ઘીની નદીઓ વહી

ગાંધીનગર નજીક આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ રૂપાલ ખાતે આસો નવરાત્રિની નોમની રાત્રે જગતજનની મા વરદાયિનીની વિશ્વપ્રસિદ્ધ ઐતિહાસિક પલ્લી ભક્તિભાવપૂર્વક સંપન્ન થઈ ગઈ છે. મધ્યરાત્રિએ 12 વાગ્યા પછી માતાજીના નિજ મંદિર પરિસરમાંથી વિધિવત્ પૂજા-અર્ચના બાદ પાંચ જ્યોતવાળી દિવ્ય પલ્લીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. માતાજીની આ પલ્લી ગામના નિર્ધારિત 27 ચકલાઓમાં ફરી હતી, જ્યાં દેશ-વિદેશમાંથી આશરે 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉપધ્યા હતા. શ્રદ્ધાળુઓએ મનોકામના પૂર્ણ થવાની શ્રદ્ધા સાથે શુદ્ધ દેશી ઘીનો અવિરત અભિષેક કર્યો હતો. અંદાજે 20 કરોડ રૂપિયાથી વધુ કિંમતના લાખો લિટર ઘીના અભિષેકથી રૂપાલની શેરીઓમાં ઘીની નદીઓ વહેતી હોય તેવા અલૌકિક દૃશ્યો સર્જાયા હતા અને સમગ્ર પંથક ‘જય મા વરદાયિની’ના જયઘોષથી ગુંજી ઊઠ્યો હતો.

લાલ ઉત્સવ અને ગરબાની રમઝટ સાથે ભક્તિમય વાતાવરણપલ્લી નીકળ્યા પહેલાં અને પલ્લી દરમિયાન મંદિરના વિશાળ પટાંગણમાં ભવ્ય ગુલાલ ઉત્સવ ઉજવાયો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓ, પુરુષો, યુવાનો અને વડીલોએ એકબીજા પર ગુલાલ ઉડાડીને માતાજીના વધામણાં કર્યા હતા. પલ્લીના પ્રસ્થાન પૂર્વે શ્રદ્ધાળુઓએ માતાજીના આંગણે ઉત્સાહભેર ગરબા રમીને આરાધના કરી હતી. ‘જય વરદાયિની, જય જગદંબા’ના નારાઓ સાથે વાતાવરણ દિવ્ય અને ભક્તિમય બની ગયું હતું.
રૂપાલની પલ્લી સાથે આશરે 5000 વર્ષ જૂનો પૌરાણિક ઇતિહાસ વણાયેલો છે. ધાર્મિક માન્યતા અનુસાર, પાંડવોએ પોતાના અજ્ઞાતવાસ દરમિયાન દિવ્ય શસ્ત્રો આ ગામમાં આવેલા પવિત્ર વરખડીના વૃક્ષ નીચે છુપાવ્યા હતા. અજ્ઞાતવાસની સમાપ્તિ બાદ પાંડવોએ મા વરદાયિનીની સ્થાપના કરી પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. મહાભારતના હસ્તિનાપુર યુદ્ધમાં વિજય પ્રાપ્ત થયા બાદ ભગવાન શ્રીકૃષ્ણની ઉપસ્થિતિમાં પાંડવોએ સોનાની પલ્લી બનાવીને તેના પર ઘીનો અભિષેક કર્યો હતો. ત્યારથી આ પરંપરા અવિરતપણે ચાલી આવે છે. ત્રેતાયુગમાં પ્રભુ શ્રીરામે પણ રાવણ સામેના વિજય પૂર્વે અહીં આશીર્વાદ લીધા હોવાની માન્યતા છે.
લાખો ભક્તોની જનમેદનીને ધ્યાને રાખીને ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાની અભૂતપૂર્વ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થા જાળવવા કુલ 11 એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તથા 24 મહત્ત્વના સ્થળો માટે 24 નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી. સુરક્ષા વ્યવસ્થામાં 500 પોલીસ જવાનો અને 300 હોમગાર્ડ તહેનાત રહ્યા હતા. સમગ્ર મેળા અને પલ્લી માર્ગો પર CCTV કેમેરા તેમજ ડ્રોન સર્વેલન્સ દ્વારા બાજ નજર રાખવામાં આવી હતી. સાથે જ ગામને જોડતા મુખ્ય માર્ગો ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યા હતા.

ભાવિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે આરોગ્ય વિભાગની 4 મેડિકલ ટીમો 24 કલાક સ્ટેન્ડ ટુ રહી હતી, જેમાં મંદિર પરિસર, પીએચસી સેન્ટર અને આંગણવાડી કેન્દ્રોનો સમાવેશ થાય છે. દર્દીઓને તાત્કાલિક સારવાર માટે 3 જેટલી 108 એમ્બ્યુલન્સ તહેનાત કરાઈ હતી. ગામની 4 મુખ્ય પીવાના પાણીની લાઈનોમાં ક્લોરીનેશનની તપાસ કરી સુપર ક્લોરીનેશનવાળા પાણીનું વિતરણ કરાયું હતું. ખાદ્યચીજોની ગુણવત્તા ચકાસવા 9 ફૂડ સેફ્ટી ઓફિસરો, આગ જેવા બનાવોને રોકવા ફાયર સેફ્ટીની 4 ટીમો અને વીજ પુરવઠો અવિરત રાખવા UGVCLની 17 ટીમો ખડેપગે રહી હતી. દાન સ્વીકાર કેન્દ્રો પર 19 કર્મચારીઓ કાર્યરત રહ્યા હતા.

રૂપાલ પહોંચતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે ગાંધીનગર, કલોલ, માણસા તેમજ અમદાવાદ એસ.ટી. ડેપો દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. બપોર બાદથી શરૂ કરીને આખી રાત અને સવાર સુધી રૂપાલ રૂટ પર સતત વધારાની બસો દોડાવવામાં આવી હતી. પલ્લી પૂર્ણ થયા બાદ બીજા દિવસે પણ દર્શનાર્થીઓની અવરજવર સરળ રહે તે માટે એસ.ટી. તંત્ર દ્વારા વધારાની ટ્રીપોનું સંચાલન ચાલુ રાખવામાં આવ્યું છે.

દશેરાથી શરદપૂર્ણિમા સુધી પલ્લીના દર્શનની વિશેષ વ્યવસ્થાજે ભક્તો નોમની રાત્રે પલ્લીના પ્રત્યક્ષ દર્શન કે ઘીનો અભિષેક કરી શક્યા નથી, તેમના માટે દશેરાની પ્રભાતથી લઈને શરદપૂર્ણિમાની મધ્યરાત્રિ સુધી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ દિવસો દરમિયાન પણ શ્રદ્ધાળુઓ પોતાના પરિવાર સાથે મંદિર પરિસરે આવી પલ્લીના દર્શન કરી શકે છે અને માતાજીને ઘી અર્પણ કરીને આશીર્વાદ મેળવી શકે છે. સામાજિક સમરસતા, અખૂટ શ્રદ્ધા અને સમર્પણનો આ મહામહોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !! Bhadko can see you...